લંડનઃ હોરાઇઝન આઇટી સ્કેન્ડલ બાદ હવે પોસ્ટ ઓફિસની માલિકી તેના ઓપરેટરોને જ સોંપી દેવા સરકાર વિચારણા કરી રહી છે. ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ દ્વારા 15 વર્ષમાં પહેલીવાર કૌભાંડગ્રસ્ત પોસ્ટ ઓફિસની સમીક્ષા હાથ ધરવાના પ્રારંભ સાથે ગ્રીન પેપર પ્રસિદ્ધ કરાયું છે. આ સમીક્ષા 6 ઓક્ટોબર સુધીમાં પૂરી કરાશે.
સરકારે જણાવ્યું છે કે સમીક્ષામાં પોસ્ટ ઓફિસની માલિકીના મોડેલ પર પણ વિચારણા કરાશે. હાલ પોસ્ટ ઓફિસ સંપુર્ણપણે સરકારની માલિકી હેઠળ છે. બ્રાન્ચ મેનેજરોને પોસ્ટ ઓફિસની માલિકી સોંપવાની સંભાવના ચકાસવા સરકારે પોસ્ટ ઓફિસ ઓપરેટરોના પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા કરી હતી.
પોસ્ટ ઓફિસ મિનિસ્ટર ગેરેથ થોમસે જણાવ્યું હતું કે, અમે આ સાથે પ્રમાણિક ચર્ચા શરૂ કરી રહ્યાં છીએ. આગામી વર્ષોમાં જનતા પોસ્ટ ઓફિસ પાસેથી શું ઇચ્છે છે તે જાણવું જરૂરી છે. હોરાઇઝન સ્કેન્ડલ બાદ હવે આપણને ભાવિ માટે નવા વિઝનની જરૂર છે.
સરકારે પોસ્ટ ઓફિસને મદદ કરવા વધારાની 118 મિલિયન પાઉન્ડની સબસિડી આપવાની પણ જાહેરાત કરી છે. બીજીતરફ કોમ્યુનિકેશન્સ વર્કર્સ યુનિયને સબસિડીની ટીકા કરતા જણાવ્યું હતું કે, એક દાયકા પહેલાં અલગ કરાયેલા પોસ્ટ ઓફિસ અને રોયલ મેઇલને ફરી એકવાર એકજૂથ કરવાની જરૂર છે.
સરકારે જણાવ્યું હતું કે, ગ્રીન પેપર પોસ્ટ ઓફિસ ઓપરેટર્સ અને પબ્લિકને સાથે મળીને કામ કરવાની તક આપશે જેથી કંપનીને મજબૂત બનાવવાનો માર્ગ તૈયાર કરી શકાય.