પોસ્ટ ઓફિસમાં સશસ્ત્ર લૂટનું તરકટ રચનાર એક જ પરિવારના પાંચને જેલ

બ્રાન્ચમાં 1,30,000 પાઉન્ડની ઉચાપત છૂપાવવા પરિવારે લૂટનું તરકટ કર્યું હતું

Tuesday 10th June 2025 11:54 EDT
 
 

લંડનઃ પોસ્ટ ઓફિસમાંથી 1,30,000 પાઉન્ડની ચોરીને છૂપાવવા લૂટનું તરકટ રચનારા એક જ પરિવારના પાંચ સભ્યોને જેલભેગા કરાયાં છે. 1 એપ્રિલ 2024ના રોજ વેસ્ટ લંડનના હૌન્સ્લોની પોસ્ટ ઓફિસની બ્રાન્ચમાં ટેક્સી ડ્રાઇવર રાજવિન્દર કાહલોન દ્વારા સશસ્ત્ર લૂટના ડ્રામાને અંજામ અપાયો હતો. રાજવિન્દર કાહલોનને આઇલવર્થ ક્રાઉન કોર્ટ દ્વારા સાડા ચાર વર્ષની કેદ ફટકારવામાં આવી હતી.

1 એપ્રિલે મેટ્રોપોલિટન પોલીસના અધિકારીઓ લૂટના સમાચાર મળતા આ બ્રાન્ચ પર પહોંચ્યા હતા જ્યાં કામ કરતી સબ પોસ્ટમિસ્ટ્રેસ સુનાવેર ધિલ્લોન અને રમનદીપ ધિલ્લોને જુઠ્ઠાણું ચલાવતા પોલીસને જણાવ્યું હતું કે, એક સશસ્ત્ર લૂટારો પિસ્તોલ બતાવીને 50,000 પાઉન્ડ અને બ્રાન્ચની સીસીટીવી સિસ્ટમ ઉઠાવી ગયો છે. જોકે કોર્ટમાં પૂરવાર થયું હતું કે, સેફમાંથી રોકડ અને સીસીટીવીની હાર્ડ ડિસ્ક કાહલોનના પિતરાઇ સુખવીર ધિલ્લોન (રમનદીપના પતિ) દ્વારા દૂર કરાઇ હતી.

પોસ્ટ ઓફિસ દ્વારા કરાયેલા ઓડિટમાં સામે આવ્યું હતું કે, બ્રાન્ચમાંથી 1,36,000 પાઉન્ડની ઉચાપત થઇ હતી અને આ નાણા ક્યારેય પરત મેળવી શકાયાં નહોતા. ઉચાપત કરાયેલા નાણા ભારત અને કેનેડા મોકલી દેવાયા હોવાની શંકા છે.

અદાલતે સુખવીર ધિલ્લોનને પાંચ વર્ષ, સુનાવેર ધિલ્લોનને 3 વર્ષ અને 3 મહિના, રમનદીપ ધિલ્લોનને બે વર્ષ અને પાંચ મહિના તથા પરિવારના એક અન્ય સભ્ય મનદીપ ગિલને બે વર્ષ અને 4 મહિનાની કેદ ફટકારી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter