લંડનઃ હોરાઇઝન સ્કેન્ડલની ચાલી રહેલી ઇન્કવાયરી સમક્ષ ફોરેન્સિક એકાઉન્ટન્ટ ઇયાન હેન્ડરસને જણાવ્યું હતું કે, હોરાઇઝન આઈટી સિસ્ટમ સાથે સંકળાયેલી બાબતોની તપાસ કરી રહેલા સ્વતંત્ર તપાસકર્તાઓના કામને પોસ્ટ ઓફિસ દ્વારા સતત અવરોધવામાં આવતું હતું. 2012માં એકાઉન્ટિંગ સોફ્ટવેરની તપાસ માટે મારી કંપનીને કામ સોંપવામાં આવ્યું ત્યારે પોસ્ટ ઓફિસ અન્યાયી રીતે મારી કંપનીને દસ્તાવેજો ઉપલબ્ધ કરાવતી નહોતી. પોસ્ટ ઓફિસ માટે સબ પોસ્ટમાસ્ટરોને સપોર્ટ કરવા કરતાં તેની બ્રાન્ડને બચાવવી પહેલી પ્રાથમિકતા હતી.
હેન્ડરસને આરોપ મૂક્યો હતો કે પોસ્ટઓફિસના પૂર્વ વડા પૌલા વેનેલ્સે ન્યાયની સંભવિત કસુવાવડની તપાસથી તપાસકર્તાઓને દૂર રાખવાના પ્રયાસ કર્યાં હતાં. 2012માં સાંસદોના દબાણના કારણે પોસ્ટ ઓફિસે અમારી કંપનીના રિપોર્ટને સ્વીકાર્યો હતો જેથી સબ પોસ્ટમાસ્ટરોના એકાઉન્ટોમાં નાણાકીય ભૂલોમાં હોરાઇઝન સોફ્ટવેર જવાબદાર હતું તેવા દાવાઓની તપાસ થઇ શકે.
હેન્ડરસન અને તેમના સાથી રોન વોર્મિંગટને વિવિધ કેસોની તપાસ શરૂ કરી હતી પરંતુ માર્ચ 2015માં પોસ્ટ ઓફિસે તેમને બરતરફ કરી દીધાં હતાં. હેન્ડરસને જણાવ્યું હતું કે, સત્ય બહાર લાવવામાં રસ દર્શાવવાના બદલે પોસ્ટ ઓફિસે અમારી કંપની સેકન્ડ સાઇટ્સના પ્રયાસોને અવરોધવાના પ્રયાસ કર્યા હતા.
પોસ્ટ ઓફિસે અકસ્માતે દોષી ઠરેલા 555 સબ પોસ્ટમાસ્ટરોના નામ-સરનામા જાહેર કરી દીધાં
પોસ્ટ ઓફિસે અકસ્માતે જ હોરાઇઝન સ્કેન્ડલમાં ખોટી રીતે દોષી ઠરેલા 555 સબ પોસ્ટમાસ્ટરોના નામ અને સરનામા જાહેર કરી દીધાં છે. 2019માં પોસ્ટ ઓફિસ સામે દાવો માંડનારા સબ પોસ્ટમાસ્ટરોની માહિતી આપતું ડોઝિયર બુધવારે વેબસાઇટ પર સ્પષ્ટ જોઇ શકાતું હતું પરંતુ હવે તે હટાવી લેવામાં આવ્યું છે. પોસ્ટ ઓફિસના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, વિવાદિત દસ્તાવેજ અમારી વેબસાઇટ પરથી હટાવી લેવાયો છે. અમે તાકિદના ધોરણે આ ઘટનાની તપાસ કરી રહ્યાં છીએ.
પોસ્ટ ઓફિસ માટે કામ કરનારા સોલિસિટરો સામે તપાસનો પ્રારંભ
સોલિસિટર્સ રેગ્યુલેશન ઓથોરિટીએ જણાવ્યું છે કે હોરાઇઝન આઇટી સ્કેન્ડલ સાથે સંકળાયેલા કેસોમાં પોસ્ટ ઓફિસ માટે કામ કરનારા સોલિસિટર્સ અને કાયદા કંપનીઓ સામે તપાસ ચાલી રહી છે. એસઆરએ દ્વારા સેંકડો સબ પોસ્ટમાસ્ટરોને ખોટી રીતે દોષી ઠેરવાયા તે સમયગાળામાં પોસ્ટ ઓફિસ અથવા રોયલ મેઇલ ગ્રુપ સોલિસિટરો દ્વારા અપનાવાયેલી વ્યૂહરચના અને તેમના વ્યવહારની તપાસ થઇ રહી છે. એસઆરએ દ્વારા સર એલન બેટ્સની આગેવાનીમાં દાખલ કરાયેલી ગ્રુપ લિટિગેશનમાં સોલિસિટરોએ કેવી રીતે કામ કર્યું તેની પણ તપાસ કરી રહી છે.
ફુજિત્સુના પૂર્વ સીઇઓની શેખીઃ અમારી સિસ્ટમ પરફેક્ટ હતી
ફુજિત્સુના યુકે એકમના પૂર્વ સીઇઓ ડંકન ટેઇટે ઇન્કવાયરી સમક્ષ જણાવ્યું હતું કે, સબ પોસ્ટમાસ્ટરો દ્વારા ઉપયોગમાં લેવાતી સિસ્ટમની તપાસ કરવી પડે તે માટે અમને કોઇ ચેતવણી મળી નહોતી. જોકે હકીકત એ છે કે 2011થી 2019 વચ્ચે ફુજિત્સુના સીઇઓ રહેલા ટેઇટને પોસ્ટ ઓફિસમાં ઉપયોગમાં લેવાઇ રહેલ સોફ્ટવેર અંગે સંખ્યાબંધ ફરિયાદો કરાઇ હતી. પોસ્ટ ઓફિસ દ્વારા કરાયેલા ખટલાઓમાં ફુજિત્સુના સ્ટાફે પુરાવા આપ્યા હોવા છતાં ટેઇટ હજુ એમ કહી રહ્યાં છે કે તેમની સિસ્ટમ પરફેક્ટ હતી.


