લંડનઃ પોસ્ટ ઓફિસ હોરાઇઝન પબ્લિક ઇન્કવાયરીની તપાસના નવા ચરણની શરૂઆત આ સપ્તાહથી શરૂ થઇ છે. હવે આ તપાસ હોરાઇઝન સ્કેન્ડલ માટે સબ પોસ્ટમાસ્ટરોને ખોટી રીતે દોષી ઠેરવનારાઓની જવાબદારી નક્કી કરવા પર કેન્દ્રિત થઇ શકે છે. હવે આ તપાસમાં પોસ્ટ ઓફિસના એક્ઝિક્યુટિવો, સરકારી મંત્રીઓ અ ફુજિત્સુના અધિકારીઓએ જે રીતે પોસ્ટ માસ્ટરોના કેસ હાથ ધર્યા તેની સમીક્ષા કરાશે.
પીડિત પોસ્ટ માસ્ટર એલન બેટ્સે ઇન્કવાયરી સમક્ષ પુરાવા રજૂ કર્યાં હતાં. બેટ્સે ઇન્કવાયરી સમક્ષ જણાવ્યું હતું કે, મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અને ચૂપ કરાવવા પોસ્ટ ઓફિસે 23 વર્ષ ખર્ચી નાખ્યા હતા. હોરાઇઝન અંગે મેં સતત અવાજ ઉઠાવ્યો તેના કારણે પોસ્ટ ઓફિસ મારી પાછળ પડી ગઇ હતી. પોસ્ટ ઓફિસે હોરાઇઝન એકાન્ટિંગ સિસ્ટમ અંગે સતત જુઠ્ઠાણા ચલાવ્યાં છે. મેં સત્ય બહાર લાવવા ન કેવળ મારા માટે પરંતુ તમામ પીડિત માટે 23 વર્ષ અભિયાન ચલાવ્યું છે. પોસ્ટ ઓફિસે આ સમગ્ર સમયગાળો આરોપો નકારવામાં, પોતાનો બચાવ કરવામાં અને મને ચૂપ કરાવી દેવામાં ખર્ચી નાખ્યો હતો.
ફુજિત્સુની ટીમની ઘાલમેલ અંગે પૌલા વેનેલ્સ માહિતગાર હતા
પોસ્ટ ઓફિસના પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ પૌલા વેનેલ્સ વર્ષ 2013માં સારી રીતે જાણતા હતા કે ફુજિત્સુના વડામથક ખાતે કાર્યરત ટીમ સબ પોસ્ટમાસ્ટરોના એકાઉન્ટ દૂર બેઠાં જ ઉલટાવી શકતી હતી. પોસ્ટ ઓફિસના સીનિયર અધિકારીઓએ પૌલા વેનેલ્સને આ માહિતી આપી હતી. પોસ્ટ ઓફિસના પૂર્વ જનરલ કાઉન્સેલ સુસાન ક્રિચટોને જણાવ્યું હતું કે, પૌલા આ બાબત સારી રીતે જાણતા હતા. તેઓ એ પણ જાણતા હતા કે અમે આ આરોપની તપાસ કરી રહ્યાં છીએ. મેં આ અંગેના પુરાવા પણ તેમને આપ્યાં હતાં.
આત્મહત્યા કરનાર પોસ્ટમાસ્ટરની વિધવાને વળતર ચૂકવવાનો ઇનકાર
હોરાઇઝન આઈટી સ્કેન્ડલમાં પોતાની બ્રાન્ચ પર પોસ્ટ ઓફિસના તપાસકર્તાઓના દરોડા બાદ આત્મહત્યા કરી લેનારા પોસ્ટ માસ્ટરની વિધવાને વળતર યોજના અંતર્ગત નાણા ચૂકવવાનો ઇનકાર કરી દેવાયો છે. હોરાઇઝન સ્કેન્ડલનો શિકાર બન્યા બાદ જયકાન્થન સિવાસુબ્રમણિયમ આત્મહત્યા કરી લેનારા પાંચમા પોસ્ટ માસ્ટર હતા. 20 વર્ષ બાદ તેમની વિધવાને વળતર ચૂકવવાનો ઇનકાર કરી દેવાયો છે. સિવાસુબ્રમણિયમની વિધવા પત્નીએ જણાવ્યું હતું કે, મારા ગરીબ પતિને પોતાનો પક્ષ રજૂ કરવાની તક પણ અપાઇ નહોતી અને તેમણે આત્મહત્યા કરી લીધી હતી. પોસ્ટ ઓફિસ તેમની આત્મહત્યા માટે હોરાઇઝન સ્કેન્ડલને જવાબદાર તો માની રહી છે પરંતુ તેમની વિધવાને ફ્લેગશિપ કમ્પનશેસન સ્કીમ અંતર્ગત વળતર ચૂકવવા તૈયાર નથી.


