લંડનઃ પોસ્ટ ઓફિસે હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં પોતાને સાફસુથરી પૂરવાર કરવા માટે વકીલો પાછળ ખર્ચેલા નાણા પીડિત સબ પોસ્ટમાસ્ટરોને ચૂકવાયેલા વળતર કરતાં બમણાં છે. સરકારી માલિકીની અને કરદાતાઓના નાણા પર ચાલતી પોસ્ટ ઓફિસે 2017થી માર્ચ 2023 વચ્ચે હાઇકોર્ટમાં હોરાઇઝન સિસ્ટમનો બચાવ કરવા નિયુક્ત કરેલા વકીલોને ફી પેટે 298 મિલિયન પાઉન્ડ ચૂકવ્યાં હતાં. હાલ જે રીતે પોસ્ટ ઓફિસ વકીલો પાછળ નાણા ખર્ચી રહી છે તે જોતાં આ મહિનાના અંત સુધીમાં આ રકમ 390 મિલિયન પાઉન્ડ પર પહોંચી જશે. જેની સામે પીડિત સબ પોસ્ટમાસ્ટરોને ચૂકવાયેલા વળતર કરતાં વકીલો પાછળ કરાયેલો ખર્ચ આ રકમ કરતાં બમણો છે. અત્યાર સુધીમાં પોસ્ટ ઓફિસ અને સરકાર દ્વારા પોસ્ટમાસ્ટરોને વળતર પેટે 169 મિલિયન પાઉન્ડ ચૂકવાયાં છે.
અત્યાર સુધીમાં સ્કેન્ડલનો ભોગ બનેલા 4300 પીડિત પૈકીના અડધાને જ અંતિમ વળતર ચૂકવી શકાયું છે. 1900 કરતાં વધુ પીડિત હજુ વળતરની રાહ જોઇ રહ્યાં છે. 250 કરતાં વધુ પોસ્ટમાસ્ટરના તો વળતર મળે તે પહેલાં મોત થઇ ચૂક્યાં છે.
પોસ્ટ ઓફિસના વડાઓ કહેતાં રહ્યાં છે કે કરદાતાઓના નાણાનો બચાવ કરવો જોઇએ. પરંતુ બીજીતરફ કરોડો પાઉન્ડનો ઉપયોગ પીડિતોને વળતર ન ચૂકવવું પડે તે માટે કરાયો છે. હોરાઇઝન સિસ્ટમના બચાવ માટે સોલિસિટરોને તગડી ફી ચૂકવાઇ છે.

