લંડનઃ હોરાઇઝન આઇટી સ્કેન્ડલના પીડિતો માટે ખરાબ સમાચાર છે. પોસ્ટ ઓફિસે સ્કેન્ડલમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા બ્રાન્ચ મેનેજરોના વળતર માટે અલગ રખાયેલ ભંડોળ લગભગ અડધું કરી નાખ્યું છે. પોસ્ટ ઓફિસે તેના એન્યુઅલ રિઝલ્ટ્સમાં જણાવ્યું છે કે તેની પાસે અત્યારે વળતર પેટે ચૂકવવા માટેનું ભંડોળ 244 મિલિયન પાઉન્ડ છે જે એક વર્ષ પહેલાં 487 મિલિયન પાઉન્ડ હતું.
પોસ્ટ ઓફિસ કર્મચારીઓને વળતર માટે કામ કરતા બોર્ડના અધ્યક્ષ ક્રિસ હોજિસે સરકારને ગયા વર્ષે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, પીડિતો તેમના ચુકાદા સામે અપીલ કરવા માગતા નથી કારણ કે તેમને હવે સત્તાવાળાઓ પર કોઇ ભરોસો રહ્યો નથી. તે ઉપરાંત સ્કેન્ડલના બે દાયકા વીતી ગયા હોવાથી પોસ્ટ ઓફિસ પાસે કોઇ પુરાવા પણ રહ્યાં નથી. ક્યાં તો તે ગૂમ થયાં છે અથવા તો તેનો નાશ કરી દેવાયો છે.
પોસ્ટ ઓફિસ એકાઉન્ટ્સના જણાવ્યા અનુસાર ખોટા ચુકાદાના સંદર્ભમાં એક વર્ષમાં 13 મિલિયન પાઉન્ડ વચગાળાના અથવા તો ફાઇનલ વળતર પેટે ચૂકવાયા છે. તેથી પોસ્ટ ઓફિસે વળતર માટેનું ભંડોળ પણ ઘટાડી દીધું છે.
પોસ્ટ ઓફિસ દ્વારા પીડિતો માટે 3 પ્રકારની વળતર યોજના ચલાવવામાં આવી છે જેમાં 2500 પોસ્ટ માસ્ટરોને 130 મિલિયન પાઉન્ડ અત્યાર સુધીમાં ચૂકવાયાં છે. જોકે વળતર પર પણ કર વસૂલવામાં આવી રહ્યો છે અને પેમેન્ટમાં થઇ રહેલો વિલંબ પણ મોટી ચિંતાનો વિષય છે.
પોસ્ટ ઓફિસના સીનિયરો સામે તપાસ માટે પુરતા પુરાવા
પોસ્ટ ઓફિસ હોરાઇઝન સ્કેન્ડલના પીડિતો વતી રજૂઆત કરનારા વકીલોનું માનવું છે કે ન્યાયમાં ખલેલ પહોંચાડવા માટે પોસ્ટ ઓફિસના વરિષ્ઠ અધિકારીઓ સામે તપાસ કરવા પોલીસ માટે પુરતા પુરાવા ઉપલબ્ધ છે. આ કૌભાંડમાં ખોટી રીતે સંડોવી દેવાયેલા પોસ્ટ માસ્ટરોનો દાવો છે કે પોસ્ટ ઓફિસના વરિષ્ઠ અધિકારીઓએ જાણીજોઇને સંખ્યાબંધ ખામીઓને છાવરવાનો પ્રયાસ કર્યો હતો અથવા તો તેની સામે આંખ આડા કાન કર્યાં હતાં.


