પોસ્ટ ડિલિવરીમાં કાપઃ મોટી સંખ્યામાં દર્દીઓ એનએચએસ એપોઇન્ટમેન્ટ ચૂકી જવાની ચેતવણી

2022-23માં પોસ્ટ મોડી મળવાના કારણે બે મિલિયન દર્દી એપોઇન્ટમેન્ટ ચૂકી ગયાં હતાં

Tuesday 09th April 2024 11:49 EDT
 

લંડનઃ સેકન્ડ ક્લાસ પોસ્ટની ડિલિવરીના દિવસોમાં કાપ મૂકવાની રોયલ મેઇલની યોજનાના કારણે દર્દીઓની સુરક્ષા જોખમમાં મૂકાશે તેવી ચેતવણી એનએચએસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. પોસ્ટની ડિલિવરી મોડી થવાના કારણે 25 ટકા દર્દીઓ હોસ્પિટલ એપોઇન્ટમેન્ટ ગુમાવી દેશે. રોયલ મેઇલ સેકન્ડ ક્લાસ પોસ્ટની ડિલિવરી આંતરા દિવસે કરવાની યોજનાની જાહેરાત કરી ચૂકી છે.

એનએચએસના ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણી પેશન્ટ ગ્રુપોએ ચેતવણી ઉચ્ચારી છે કે આમ પણ દર્દીઓ સારવારમાં ભારે વિલંબનો સામનો કરી રહ્યાં છે ત્યારે આ ચિંતાજનક યોજના દર્દીઓને વધુ નુકસાન પહોંચાડશે. ગયા વર્ષે એપોઇન્ટમેન્ટની જાણ કરતા પત્રો મોડા મળવાના કારણે આઠ મિલિયનમાંથી બે મિલિયન દર્દીઓ તેમની એપોઇન્ટમેન્ટ ચૂકી ગયાં હતાં.

એનએચએસના ચીફ એક્ઝિક્યુટિવોએ જણાવ્યું હતું કે, અમે આ મુદ્દે રોયલ મેઇલ સમક્ષ સીધી રજૂઆત કરી છે. રોયલ મેઇલની આ યોજના દર્દીઓની સુરક્ષાને વધુ જોખમમાં મૂકશે. 2022-23માં પોસ્ટ મોડી મળવાના કારણે બે મિલિયન લોકો એનએચએસમાં તેમની એપોઇન્ટમેન્ટ ચૂકી ગયાં હતાં. હવે આંતરા દિવસે પોસ્ટની ડિલિવરી થશે તો સ્થિતિ વધુ બદતર બની શકે છે. જો રોયલ મેઇલ આ યોજનાને અમલમાં મૂકે તો તેણે એનએચએસની પોસ્ટને પ્રાથમિકતા આપવાના ઉપાયો શોધી કાઢવા જોઇએ. જો તેમ નહીં  થાય તો દર્દીઓ મહત્વની એપોઇન્ટમેન્ટ ચૂકી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter