પોસ્ટ બોક્સીસ પર GR અને ER સહિતની નિશાનીઓનો શું અર્થ?

Wednesday 28th September 2022 03:12 EDT
 
 

લંડનઃ લાલ રંગના પોસ્ટ બોક્સીસ બ્રિટિશ સંસ્કૃતિના લોકપ્રિય પ્રતીકોમાં એક છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધન સાથે પોસ્ટ બોક્સીસ પર ‘GR’ અને ‘ER’સહિતની નિશાનીઓ અને તેના અર્થ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત થયું છે. હવે લોકો પોતાના વિસ્તારોમાં કઈ નિશાની સાથેના પોસ્ટ બોક્સીસ છે તેની તપાસ કરવા દોડવા લાગ્યા છે. વાસ્તવમાં પોસ્ટ બોક્સીસ પરના શબ્દો ‘રોયલ સાઈફર’ તરીકે ઓળખાય છે અને જે તે સમયના રાજવી અથવા રાણીના તરફ ઈશારો કરે છે જેમના શાસન કાળમાં આ પોસ્ટ બોક્સીસ ઉભાં કરવામાં આવ્યા હતા.

જો તમારી નજર પોસ્ટ બોક્સ પર લખાયેલા શબ્દ ‘ER’પર જાય તો તેનો અર્થ એ થશે કે આ બોક્સ ગત 70 વર્ષ દરમિયાન ઉભું કરવામાં આવ્યું છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયે 1952માં રાજગાદી સંભાળી હતી આથી, તેમના સમયમાં જે નવા પોસ્ટ બોક્સીસ લગાવાયા હોય તેના પર આ નિશાની જોઈ શકાય છે. આ નિશાની એલિઝાબેથ રેજિના - Elizabeth, Regina માટે છે જેમાં લેટિન ભાષાના રેજિના શબ્દનો અર્થ ક્વીન થાય છે.

આ જ પ્રમાણે તમે કહી શકો છો કે ‘GR’ પોસ્ટ બોક્સીસ કિંગ જ્યોર્જ પંચમના શાસન 1910 થી 1936ના ગાળામાં તેમજ ‘GR VI’ બોક્સીસ કિંગ જ્યોર્જ છઠ્ઠાના 1936 થી 1952ના શાસનગાળામાં મૂકવામાં આવ્યા હતા. આ નિશાનીમાં રાજાનું નામ જ્યોર્જ એટલે G મૂકાય છે જ્યારે R નો અર્થ Rex એટલે કે લેટિન ભાષામાં રાજા તરીકે થાય છે. જો તમારા વિસ્તારમાં આ નિશાની સાથેના પોસ્ટ બોક્સ હોય તો તેનો અર્થ એ થશે કે તેઓ ત્યાં 1950ના દાયકા અગાઉ ગૌરવપૂર્વક ખડાં છે.

લેટર બોક્સીસ છેક 1852થી એટલે કે સૌપ્રથમ વખત ટપાલટિકિટો ચલણમાં આવી તેના આશરે 12 વર્ષ પછી ઉપયોગમાં આવ્યાં છે. તેનો લાલ રંગ છેક 1874થી અમલમાં આવ્યો અને બધા પોસ્ટ બોક્સીસને લાલ રંગથી રંગવામાં આશરે એક દાયકો નીકળી ગયો હતો.

હવે યક્ષપ્રશ્ન એ ઉભો થાય કે કિંગ ચાર્લ્સ ત્રીજા રાજગાદીએ બેઠા છે તો શું થશે? ક્વીનનું નિધન થવાં સાથે તેમનિી છબી સાતેના સ્ટેમ્પ્સ અને ચલણી સિક્કા ધીરેધીરે બદલાઈ જશે પરંતુ, પોસ્ટ બોક્સીસ યથાવત રહેશે. આનું કારણ એ છે કે મોનાર્ક આવે અને જાય, બોક્સીસ સમયની કસોટીની એરણ પરથી પસાર થયેલાં છે. આથી, ચલણી નોટ્સ, કોઈન્સ અથવા સ્ટેમ્પ્સથી વિપરીત વર્તમાન પોસ્ટ બોક્સીસ બદલાશે નહિ. જો નવા પોસ્ટ બોક્સીસ લગાવવાના થશે તો કદાચ કિંગ ચાર્લ્સ ત્રીજાની નિશાની સાથે લગાવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter