લંડનઃ હોરાઇઝન સ્કેન્ડલમાં સબ પોસ્ટમાસ્ટરોને ખોટી રીતે દોષી ઠેરવવામાં મહત્વની ભુમિકા ભજવનાર પોસ્ટ ઓફિસ મેનેજરને જ હવે પીડિત સબ પોસ્ટમાસ્ટરોના વળતરના દાવાઓનો નિકાલ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. એક્ટિવિસ્ટો અને સાંસદોએ પોસ્ટ ઓફિસની હોરાઇઝન શોર્ટફોલ કમ્પેનસેશન સ્કીમમાં કેરોલિન રિચર્ડ્સને સોંપાયેલી જવાબદારી સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે. કેરોલિન રિચર્ડ્સ હોરાઇઝન સ્કેન્ડલ સાથે સંકળાયેલા હોવા છતાં તેમને આ કામગીરી સોંપાઇ છે.
હોરાઇઝન સ્કેન્ડલના પીડિતો માટે અભિયાન ચલાવી રહેલા સાંસદ કેવન જોન્સે જણાવ્યું હતું કે, આ દર્શાવે છે કે પોસ્ટ ઓફિસ આ કેસો પ્રત્યે સંવેદનશીલ નથી. પીડિતોને વળતરની પ્રક્રિયા સંપુર્ણપણે સ્વતંત્ર હોવી જોઇએ.
કેરોલિન રિચર્ડ્સ 30 કરતાં વધુ વર્ષથી પોસ્ટ ઓફિસ સાથે સંકળાયેલા છે. 2009માં તેઓ બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. પૂર્વ સબ પોસ્ટમિસ્ટ્રેસ જેક્વેલિન મેકડોનાલ્ડને ખોટી રીતે દોષી ઠેરવવામાં તેમણે મહત્વની ભુમિકા ભજવી હતી. તેઓ ડિસેમ્બર 2021થી હોરાઇઝન શોર્ટફોલ સ્કીમમાં સીનિયર ડિસ્પ્યુટ રિઝોલ્યૂશન મેનેજર તરીકે કામ કરી રહ્યાં છે. આ ફંડની રચના ખામીયુક્ત આઇટી સિસ્ટમને કારણે નાણા ગુમાવનાર પોસ્ટ માસ્ટરોને વળતર ચૂકવવા રચાયું હતું.
સરકાર કેપ્ચર સ્કેન્ડલના પીડિતોની રજૂઆત સાંભળશે
લંડનઃ પોસ્ટ ઓફિસમાં હોરાઇઝન સ્કેન્ડલ બાદ બહાર આવેલા કેપ્ચર આઇટી સ્કેન્ડલના પીડિતોને મળવાની સરકાર તૈયારી કરી રહી છે જેથી તેમની રજૂઆતો પર ધ્યાન આપી શકાય. પોસ્ટલ અફેર્સ મિનિસ્ટર કેવિન હોલિનરેક અને વળતર યોજનાઓનું સંચાલન કરી રહેલા વરિષ્ઠ અધિકારી કાર્લ ક્રેસવેલ 1990ના દાયકામાં અમલી બનાવાયેલા એકાઉન્ટિંગ સોફ્ટવેર કેપ્ચર પર ચર્ચા કરવા પૂર્વ સબ પોસ્ટમાસ્ટરો સાથે મુલાકાત કરવા સહમત થયાં છે.