લંડનઃ પોસ્ટ ઓફિસ એકાઉન્ટિંગ સ્કેન્ડલની એક ભારતીય મૂળની પીડિતાને તે ગર્ભવતી હતા ત્યારે જ તેમને ખોટી રીતે જેલમાં ધકેલી દેવાયા હતા. પ્રોસિક્યુશન દસ્તાવેજો દર્શાવે છે કે તેમની સાથે વંશીય ભેદભાવ પણ કરાયો હતો. નવા દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે તપાસકર્તાએ પોસ્ટ મિસ્ટ્રેસ સીમા મિશ્રાને ભારતીય-પાકિસ્તાની પ્રકારના ગણાવ્યા હતા.
47 વર્ષીય સીમા મિશ્રા સરેમાં પોસ્ટ ઓફિસ ચલાવતા હતા. 2010માં હિસાબમાં ગોટાળાના આરોપસર તેમને 15 મહિનાની કેદ ફટકારાઇ હતી. અદાલતમાં તેમના પર હિસાબમાં ગેરરિતીના આરોપો મૂકાયા હતા પરંતુ હકીકતમાં 74000 પાઉન્ડ હોરાઇઝન એકાઉન્ટિંગ સોફ્ટવેરની ભૂલના કારણે બાકી બોલતા હતા. એપ્રિલ 2021માં સીમા મિશ્રાની સજાને કોર્ટ ઓફ અપીલ દ્વારા રદ કરાઇ હતી.
હોરાઇઝનના ડેટાના આધારે 700 કરતાં વધુ પોસ્ટમાસ્ટર, મિસ્ટ્રેસ, સ્થાનિક શાખાઓના માલિક-મેનેજરો સામે ચોરી, ફ્રોડ અને હિસાબમાં ગેરરિતી માટે ખોટી રીતે અદાલતમાં કેસો ચલાવવામાં આવ્યા હતા.
સીમા મિશ્રાના કેસ માટે 2008ના રિપોર્ટમાંથી જાણવા મળ્યું છે કે આરોપીઓ માટે આઇડેન્ટિફિકેશન કોડ તપાસકર્તાઓ દ્વારા નક્કી કરાયો હતો. જેમાં અશ્વેત, ભારતીય, કેરેબિયન એ રીતે આરોપીઓનું વર્ગીકરણ કરાયું હતું.
તાજેતરમાં જ પોસ્ટ ઓફિસે જણાવ્યું હતું કે, માર્ગદર્શિકામાં ઉપયોગમાં લેવાયેલા શબ્દો વંશીય ભેદભાવથી ભરપૂર હતાં અને તે અસ્વીકાર્ય છે. પોસ્ટ ઓફિસે આના માટે માફી માગીને આંતરિક તપાસના આદેશ આપ્યા છે.
સીમા મિશ્રા કહે છે કે મને એમ માનવા માટે મજબૂર કરવામાં આવી કે મેં આ અપરાધ કર્યો છે. જેના કારણે મને જેલમાં ધકેલી દેવામાં આવી હતી. તપાસકર્તા મારા વંશીય સમુદાયના આધારે નિર્ણય લઇ રહ્યા હતા. જો તેઓ વંશીય ભેદભાવથી ગ્રસિત હોય તો તેઓ કેવી રીતે ન્યાયી નિર્ણય લઇ શકે. દસ્તાવેજ દર્શાવે છે કે તેમાં તળિયાથી ટોચ સુધી ભ્રષ્ટાચાર વ્યાપેલો હતો. હું ચોક્કસપણે માનુ છું કે પોસ્ટઓફિસ વંશીય ભેદભાવથી ગ્રસિત સંસ્થાન છે.
હાલના સ્તરે જ પોસ્ટ ઓફિસ બંધ કરી દેવી જોઇએઃ ડેન નીડલે
લંડનઃ એનજીઓ ટેક્સ પોલિસી એસોસિએટ્સના વડાના જણાવ્યા અનુસાર પોસ્ટ ઓફિસને હાલના સ્વરૂપમાં સંચાલિત કરવી બંધ કરી દેવી જોઇએ. ટેક્સ લોયર અને એનજીઓના સ્થાપક ડેન નીડલે જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસનું હોરાઇઝન સ્કેન્ડલ કાયદાના શાસન સામેનો સૌથી મોટો પડકાર છે. સોફ્ટવેરમાં ખામી હોવા છતાં 700 જેટલી પોસ્ટ ઓફિસના બ્રાન્ચ મેનેજરોને ફ્રોડ માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ સ્કેન્ડલની તપાસ કરી રહેલી પબ્લિક ઇન્કવાયરીના જણાવ્યા અનુસાર યુકેના ઇતિહાસમાં આ ન્યાયની સૌથી મોટી કસુવાવડ છે. નીડલે કહે છે કે આટલી લાંબી કાનૂની લડાઇઓ બાદ જો પોસ્ટ ઓફિસ પ્રાઇવેટ બિઝનેસ હોત તો ક્યારની ધરાશાયી થઇ ગઇ હોત. પોસ્ટ ઓફિસે જાતે જ પોતાને આકરો દંડ કરીને હાલના સ્વરૂપમાં જ તેની કામગીરી સ્થગિત કરી દેવી જોઇએ. કોઇ પ્રાઇવેટ બિઝનેસ આ પ્રકારની સ્થિતિમાં ટકી શક્યો ન હોત.


