લંડનઃ હોરાઇઝન આઇટી સ્કેન્ડલની તપાસ સમિતિના અધ્યક્ષ સર વિલિયમ્સ તપાસનો પહેલો રિપોર્ટ પ્રસિદ્ધ કરે તે પહેલાં સ્કેન્ડલનો ભોગ બનેલા પૂર્વ સબ પોસ્ટમાસ્ટર હરજિન્દર બુટોયે જણાવ્યું હતું કે, આ માટે જવાબદાર કોઇને તો સજા થવી જોઇએ.
હરજિન્દર બુટોય કોઇપણ પીડિત કરતાં સૌથી વધુ સમય જેલમાં વીતાવનાર પીડિત છે. 18 મહિના જેલમાં વીતાવ્યા બાદ પોતાને નિર્દોષ સાબિત કરવામાં 15 વર્ષ લાગી ગયાં હતાં. તપાસ રિપોર્ટ પર તેમણે જણાવ્યું હતું કે, તેનાથી મારી બદતર સ્મૃતિઓ તાજી થઇ જશે. 2007માં નોટિંગહામશાયર ખાતેની તેમની બ્રાન્ચમાં 2 લાખ પાઉન્ડ કરતાં વધુની કથિત હિસાબી ગેરરિતી માટે બુટોયને દોષી ઠેરવાયાં હતાં.
તેમણે જણાવ્યું હતું કે, મને સજા થઇ પછી અમે બધુ ગુમાવી દીધું હતું. હું નાદાર થઇ ગયો હતો અને મારી પત્ની અને બાળકોને મારા માતાપિતા પાસે જવાની ફરજ પડી હતી. જેલમાંથી મુક્ત થયા પછી પણ મને કામ શોધવામાં ઘણી મુશ્કેલી પડી હતી અને મારું આરોગ્ય જોખમાયું હતું. હું ઇચ્છું છું કે જવાબદારોમાંથી કોઇને તો સજા થવી જોઇએ. તેમને જેલમાં ધકેલી દેવા જોઇએ જેથી અમે જે યાતના સહન કરી છે તે તેઓ જાણી શકે.