લંડનઃ રોયલ મેઇલમાં ચાલી રહેલા ધાંધિયા યથાવત રહ્યાં છ. તાજેતરના મહિનાઓમાં રોયલ મેઇલ 25 ટકા જેટલી ફર્સ્ટ ક્લાસ પોસ્ટ સમયસર પહોંચાડવામાં નિષ્ફળ રહી છે. રોયલ મેઇલની માલિકી ધરાવતી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસિઝે જણાવ્યું છે કે સપ્ટેમ્બર સુધીના 3 મહિનામાં અમે એક વર્કિંગ ડેમાં 76 ટકા ફર્સ્ટ ક્લાસ પોસ્ટની ડિલિવરી કરી શક્યાં છીએ. જે અગાઉના 3 મહિનાના 79 ટકા કરતાં ઓછી હતી. 92 ટકા ફર્સ્ટ ક્લાસ પોસ્ટની ડિલિવરી બે વર્કિંગ ડેમાં કરાઇ હતી.
રોયલ મેઇલે જણાવ્યું હતું કે, 93 ટકા સેકન્ડ ક્લાસ મેઇલ 3 વર્કિંગ ડેમાં સમયસર પહોંચાડવામાં આવી હતી. આમ અગાઉના 3 મહિના કરતાં આ સમયગાળામાં રેશિયો એક ટકો ઘટી ગયો હતો. પોસ્ટની ડિલિવરીમાં થઇ રહેલા વિલંબના કારણે કંપનીના માલિકો પર દબાણ વધી રહ્યું છે કારણ કે રોયલ મેઇલ ટેકઓવર કરવાનો સોદો અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે.
એવું લાગી રહ્યું છે કે રોયલ મેઇલ રેગ્યુલેટર ઓફકોમ દ્વારા નક્કી કરાયેલા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જઇ રહી છે. રેગ્યુલેટરે રોયલ મેઇલની કામગીરી પર અસંતોષ વ્યક્ત કર્યો છે. ઓફકોમના નિયમો પ્રમાણે રોયલ મેઇલે 93 ટકા ફર્સ્ટ ક્લાસ મેઇલ એક વર્કિંગ ડેમાં અને 98.5 ટકા સેકન્ડ ક્લાસ પોસ્ટ 3 વર્કિંગ ડેમાં ડિલિવર કરવાની હોય છે.

