લંડન
રોયલ મેઇલે ચેતવણી ઉચ્ચારી છે કે જો સપ્તાહમાં 6 દિવસ પોસ્ટની સેવાઓ જારી રાખવી હશે તો ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમતમાં નોંધપાત્ર વધારો કરવાની ફરજ પડશે. માર્ચ મહિનામાં ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમત 10 પેન્સ વધારીને 95 પેન્સ કરી દેવાઇ હતી. સેકન્ડ ક્લાસ સ્ટેમ્પની કિંમત વધારીને 68 પેન્સ કરાઇ હતી. હવે ફરીવાર વધારો કરાશે તો ફર્સ્ટક્લાસ સ્ટેમ્પની કિંમત દેશમાં પહેલીવાર 1 પાઉન્ડને વટાવી જશે. રોયલ મેઇલના ચેરમેન કીથ વિલિયમ્સે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ઘણા ઓછા પત્રો મોકલવામાં આવે છે તેથી સપ્તાહાંતમાં તેની ડિલિવરીની કિંમત ઘણી ઊંચી જાય છે.
તેમણે જણાવ્યું હતું કે, અમે 6 દિવસના લેટર પાંચ દિવસમાં પણ ડિલિવર કરી શકીએ છીએ. પરંતુ 6 દિવસ ડિલિવરી ચાલુ રાખવા માટે અમારે વધુ ખર્ચ કરવો પડે છે. તેના કારણે સ્ટેમ્પ પ્રાઇસમાં વધારો કરવાની ફરજ પડી રહી છે. તાજેતરમાં જ ગ્રાન્ટ શેપ્સે સિલેક્ટ કમિટીને જણાવ્યું હતું કે, તેઓ રોયલ મેઇલને પોસ્ટ ડિલિવરીના દિવસોની સંખ્યા ઘટાડવાની મંજૂરી આપશે નહીં. કાયદાકીય રીતે સપ્તાહના 6 દિવસ ટપાલની ડિલિવરી કરવી ફરજિયાત છે. જોકે રેગ્યુલેટર ઓફકોમ સ્વીકારે છે કે સપ્તાહમાં પાંચ દિવસ પોસ્ટની ડિલિવરી કરાય તેની સામે 97 ટકા જનતાને વાંધો નથી.
વિલિયમ્સે જણાવ્યું હતું કે, રોયલ મેઇલને પાંચથી 10 ટકાનું પ્રોફિટ માર્જિન રાખવાની પરવાનગી છે અને અમે છેલ્લા બે વર્ષથી અમે તે માર્જિન જાળવતા રહ્યાં છીએ. પરંતુ સરકાર અને રેગ્યુલેટર વચ્ચે પીસાઇ રહેલી રોયલ મેઇલને તેનું અસ્તિત્વ જાળવવા માટે આર્થિક સ્થિરતા જારી રાખવામાં મુશ્કેલી પડી રહી છે.


