લંડનઃ જિનિવા ખાતેના મેન્શનમાં ભારતીય કર્મચારીઓના શોષણના આરોપસર દોષી ઠરેલા બ્રિટનના સૌથી અમીર પરિવારના ચાર સભ્યોને સ્વિત્ઝર્લેન્ડની એક અદાલત દ્વારા સજાની સુનાવણી કરાઇ હતી. અદાલતમાં હાજર નહીં રહેલા હિન્દુજા પરિવારના આ સભ્યોને માનવ તસ્કરીના આરોપમાંથી તો મુક્તિ અપાઇ હતી પરંતુ અન્ય આરોપોમાં દોષી ઠેરવાયાં હતાં.
જિનિવામાં પ્રિસાઇડિંગ જજે તેમના ચુકાદામાં પ્રકાશ હિન્દુજા અને તેમની પત્ની કમલ હિન્દુજાને સાડા ચાર વર્ષ અને તેમના પુત્ર અજય તથા પત્ની નમ્રતાને 4 વર્ષની કેદ ફટકારી હતી. હિન્દુજા પરિવાર દ્વારા ભારતમાંથી સર્વન્ટ તરીકે લોકોને લવાતા હતા. પરિવાર પર આરોપ હતો કે ભારતીય સર્વન્ટ્સ સ્વિત્ઝર્લેન્ડ પહોંચે ત્યારબાદ તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવાતા હતા. તેમને બહુ ઓછું વેતન ચૂકવાતું અને ઘરમાંથી બહાર જવાની પરવાનગી પણ અપાતી નહોતી. જોકે પરિવારે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને ફરિયાદીઓ પર ખોટી રીતે બદનામ કરવાનો આરોપ મૂક્યો હતો.
હિન્દુજા પરિવારે તેમના પર આરોપ મૂકનારા 3 ભારતીયો સાથે કોર્ટ બહાર સમાધાન કરી લીધું હતું તેમ છતાં આરોપોની ગંભીરતાને ધ્યાનમાં લઇને પ્રોસિક્યુશને આ કેસ ચલાવવાનો નિર્ણય લીધો હતો. પ્રોસિક્યુટર વેસ બર્તોસ્સાએ પ્રકાશ અને કમલ હિન્દુજાને સાડા પાંચ વર્ષ કેદની સજા આપવાની માગ કરી હતી. પ્રોસિક્યુટરે આરોપ મૂક્યો હતો કે હિન્દુજા પરિવાર તેની શક્તિઓનો દુરુપયોગ કરીન નબળા કર્મચારીઓનું શોષણ કરતો હતો જેથી નાણા બચાવી શકાય.
હિન્દુજા પરિવારે જણાવ્યું હતું કે, સ્વિસ કોર્ટના ચુકાદાથી અમને ઘણો આઘાત લાગ્યો છે અને અમે હાયર કોર્ટમાં અપીલ દાખલ કરી છે.
અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી અમે નિર્દોષઃ હિન્દુજા પરિવાર
હિન્દુજા પરિવારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સ્વિસ કાયદાની પ્રક્રિયાઓ મુજબ, નીચલી અદાલતનો ચુકાદો બિનઅસરકારક અને નિષ્ક્રિય છે કારણ કે જ્યાં સુધી સર્વોચ્ચ નિર્ણય કરનાર સત્તા દ્વારા અંતિમ ચુકાદો લાગુ કરવામાં ન આવે ત્યાં સુધી નિર્દોષતાની ધારણા સર્વોપરી છે. એ નોંધવું જોઇએ કે આ કેસમાં હવે કોઈ ફરિયાદી બાકી નથી અને તેઓએ કોર્ટમાં જાહેર કર્યું હતું કે તેઓને એવા નિવેદનો પર હસ્તાક્ષર કરવા માટે દોરવામાં આવ્યા હતા જે તેઓ સમજી પણ શક્યા ન હતા. તેઓ ન તો આવી કાર્યવાહી કરવાનો ઈરાદો ધરાવતા હતા કે ન તો તેઓની શરૂઆત કરી હતી. તે બધાએ આગળ જુબાની આપી હતી કે હિન્દુજા પરિવારના ચાર સભ્યો તેમની સાથે 'સન્માન, પ્રતિષ્ઠા અને પરિવારની જેમ' વર્તે છે.


