લંડન, લેસ્ટરઃ કોરોના મહામારી પછી જીવન ધીરે ધીરે પૂર્વવત બની રહ્યું છે અને પ્રકાશના પર્વ દીવાળીની ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે. લંડનમાં શનિવાર ૨૩ ઓક્ટોબરે ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે, લેસ્ટરમાં રવિવાર ૨૪ ઓક્ટોબરે બેલગ્રેવ રોડ પર તેમજ બર્મિંગહામ અને વુલ્વરહેમ્પ્ટન ખાતે દીવાળીની ઉજવણી શરૂ કરી દેવાઈ છે.
લંડનમાં આ વર્ષે ૨૩ ઓક્ટોબર, શનિવારે ટ્રફાલ્ગર સ્ક્વેર, વેસ્ટમિન્સ્ટર, લંડન ખાતે સાંજના ૪ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી અનોખા દીવાળી ઈવેન્ટનું આયોજન કરાયું હતું. લંડન તેમજ બહારના કળાકારોના નોંધપાત્ર પરફોર્મન્સીસ, કળા દ્વારા રામયણ કથાની પ્રસ્તુતિ, દીવાળીના ધાર્મિક પાસા, મિશેલીન સ્ટાર શેફ અતુલ કોચર દ્વારા રસોઈકળાનું ડેમોન્સ્ટ્રેશન, વિવિધ વિસ્તારોના દીવાળી ઉજવણીઓની ક્લિપ્સ, વિવિધ રંગોળી સ્પર્ધાઓ આ ઈવેન્ટની વિશેષતા બની રહી હતી.
ભારતીય ડાયસ્પોરાએ વિવિધ રંગોળીના થીમ સાથે દીવાળીની ઉજવણી કરી હતી. યુકેના બંગાળી ડાયસ્પોરાએ ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે હાથે રંગેલી બારીક રંગોળીઓના પ્રદર્શન સાથે દીવાળી ઉજવી હતી.‘હેરિટેજ બેંગાલ ગ્લોબલ’ સંસ્થાની પરંપરાગત ‘અલ્પોના’ રંગોળીને સ્ક્વેરના કેન્દ્રમાં કોલાજના હિસ્સા તરીકે મૂકાઈ હતી.
સ્વાદિષ્ટ ભારતીય આહાર, આર્ટ્સ અને ક્રાફ્ટ્સ તેમજ વિશાળ પડદા પર વિષય આધારિત મનોરંજન સાથેના આ કાર્યક્રમે લોકોનું મન મોહી લીધું હતું. થેમ્સ નદી પર નવા વર્ષની પૂર્વ સંધ્યાએ યોજાતો દિલધડક આતશબાજીનો કાર્યક્રમ કોરોના વાઈરસ મહામારીએ સર્જેલી અનિશ્ચિતતાના કારણે સતત બીજા વર્ષે કાર્યક્રમ રદ કરાયો હતો.
રોશનીના ઉત્સાહી રંગે રંગાયું લેસ્ટર
ગયા વર્ષે કોવિડ મહામારીની લીધે રદ કરાયેલા ઉત્સવ પછી હજારો લોકો ૨૦૨૧ની ૨૪ ઓક્ટોબર રવિવારે લેસ્ટરના દીવાળી ઉત્સવને મનાવવા ઉમટ્યા હતા. શહેરના બેલગ્રેવ રોડ પર રોશનીની ઝાકમઝોળ જોવા મળી હતી. સામાન્ય રીતે આ ઉત્સવમાં કોઈ પણ સમયે ૪૫,૦૦૦ લોકોની હાજરી જોવા મળતી હોવાથી લેસ્ટર સિટીએ જણાવ્યું હતું કે લોકોની સુરક્ષાના આગોતરા પગલાં લેવાયા છે અને પ્રકાશના ઉત્સવ અગાઉ કોરોના પરીક્ષણ કરાવની લેવાની સૂચના અપાઈ હતી.
સમગ્ર વિશ્વમાં હિન્દુઓ, શીખો અને જૈનો દ્વારા દીવાળીની ઉજવણી કરાય છે. લેસ્ટરમાં હિન્દુઓની ઘણી વસ્તી છે. દીવાળીના દિવસના બે સપ્તાહ અગાઉ જ લેસ્ટરના ગોલ્ડન માઈલ વિસ્તારને રોશનીથી સજાવી દેવાય છે. ૪ નવેમ્બર સુધી ઉજવણી ચાલશે તેમ કાઉન્સિલે જણાવ્યું છે. સામાન્યપણે મ્યુઝિક અને ડાન્સ પરફોરમન્સ માટે રખાતા સ્ટેજના બદલે પ્રી-રેકોર્ડેડ સાંસ્કૃતિક કાર્યક્રમો દર્શાવવા ત્રણ વિશાળ સ્ક્રીન્સ મૂકી દેવાયા હતા. બેલગ્રેવ રોડની નજીક કોસિંગ્ટન પાર્કમાં આતશબાજીના બદલે ‘ફાયર ગાર્ડન’ ઉભું કરવામાં આવ્યું હતું. ઉજવણીના મુખ્ય સ્થળ બેલગ્રેવ રોડ અને તેની સાથે સંકળાયેલા કેટલાક માર્ગોને સાંજના ૫થી રાત્રિના ૯.૩૦ સુધી વાહનો માટે બંધ કરી દેવાયા છે. બર્મિંગહામમાં પણ લોકો દીવાળીની ઉજવણી કરી રહ્યા છે. પાંચ દિવસના ઉત્સવના આખરી દિવસ એટલે કે શનિવાર, છઠ્ઠી નવેમ્બરે મિડલેન્ડ આર્ટ્સ સેન્ટર (MAC Birmingham) ખાતે બોલીવૂડ, ભરતનાટ્યમ, કથક, ભાંગડા, અને દાંડિયા રાસ સહિત સાઉથ એશિયન ડાન્સીસનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.