પ્રતિબંધ છતાં યુકેમાં કંપનીઓનું સંચાલન કરનાર ભારતીય મૂળનું દંપતી જેલભેગું

ભરત જોગિયા અને લૂઇસ જોગિયા પર ટેક્સ ફ્રોડના આરોપ મૂકાયા હતા

Tuesday 07th April 2026 11:12 EDT
 
 

લંડનઃ ટેક્સ ફ્રોડના દાવાઓ બાદ પ્રતિબંધ મૂકાયો હોવા છતાં પાંચ કરતા વધુ વર્ષ સુધી યુકેમાં કંપનીઓનું સંચાલન કરતા ભારતીય યુગલને જેલભેગું કરાયું છે. ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સના રહેવાસી એવા 71 વર્ષીય ભરત જોગિયાને વર્ષ 2014માં 13 વર્ષ માટે કંપનીના ડિરેક્ટર તરીકે ગેરલાયક ઠેરવાયા હતા. તેમના પર જોગિયા જ્વેલર્સ યુકે લિમિટેડ દ્વારા એચએમઆરસી સમક્ષ 20 લાખ પાઉન્ડનો ખોટો દાવો કરવાનો આરોપ મૂકાયો હતો.

તેમણે પ્રતિબંધને અવગણીને ડાયમંડ ફાર્મા લિમિટેડ અને બીએચજે કન્સલ્ટિંગ લિમિટેડ નામની ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર પોતાનું નિયંત્રણ ચાલુ રાખ્યું હતું. તેમની 57 વર્ષીય પત્ની લુઈસ જોગિયા આ પ્રતિબંધના ઉલ્લંઘનમાં ભરત જોગિયાને મદદ કરવા બદલ અને બીએચજે કન્સલ્ટિંગના સત્તાવાર ડિરેક્ટર તરીકે કામ કરવા બદલ દોષિત ઠર્યા હતા.

ભારત જોગિયાને બર્મિંગહામ ક્રાઉન કોર્ટ દ્વારા 9 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે, જે 18 મહિના માટે મોકૂફ (suspended) રહેશે. આ ઉપરાંત, તેમને 100 કલાક વિનામૂલ્યે કોમ્યુનિટી સર્વિસ કરવાનો આદેશ અપાયો છે અને વધુ 10 વર્ષ માટે ડિરેક્ટર તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

લુઈસ જોગિયાને 7 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે, જે પણ 18 મહિના માટે મોકૂફ રાખવામાં આવી છે, અને 10 વર્ષ માટે ડિરેક્ટર તરીકે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter