લંડન
યુક્રેન પર આક્રમણના કારણે રશિયા પર પ્રતિબંધ લાદવામાં પશ્ચિમના દેશોનું નેતૃત્વ કરી રહેલો બ્રિટન વાયા ભારત થઇને રશિયન ક્રુડ ઓઇલની આયાત કરી રહ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે. એક અખબારી અહેવાલ અનુસાર યુકેને એનર્જી સપ્લાય કરતી બ્રિટિશ પેટ્રોલિયમ અનેશેલ કંપનીઓની ભારતની પ્રાઇવેટ ક્રુડ ઓઇલ રિફાઇનરીઓ પાસેથી થતી પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાતમાં મોટો વધારો થયો છે.
ક્લાઇમેટ એડવોકેસી ગ્રુપ ગ્લોબલ વિટનેસના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી 2022માં યુક્રેન યુદ્ધનો પ્રારંભ થયા બાદ યુકેએ ભારતની પ્રાઇવેટ રિફાઇનરીઓ પાસેથી 10 મિલિયન બેરલ ડીઝલ અને અન્ય રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરી છે. 2021માં આ આયાત ફક્ત 4 મિલિયન બેરલ રહી હતી.
ભારતથી યુકેમાં નિકાસ થઇ રહેલા ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોમાં રશિયન ક્રુડનો પણ હિસ્સો હોવાની સંભાવના છે. પાંચમી ડિસેમ્બરે પ્રતિબંધો અસ્તિત્વમાં આવ્યા હોવા છતાં તેમાં રહેલા છીંડાના કારણે રશિયન ક્રુડ હજુ યુકેમાં આવી શકે છે. પ્રતિબંધો છતાં રશિયન ક્રુડ યુરોપમાં પહોંચી રહ્યું છે અને તેના કારણે જ યુક્રેન યુદ્ધ લંબાઇ રહ્યું છે.
યુકેએ રશિયન ક્રુડની સીધી આયાત પર પ્રતિબંધ મૂક્યાં છે પરંતુ રશિયન ક્રુડ ભારત પહોંચે અને તેને રિફાઇન કરીને બનાવાયેલા ડીઝલ તથા અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોની ભારતથી યુકેમાં થતી નિકાસો પર કોઇ પ્રતિબંધ લાગુ નથી. તેથી ભારતથી થઇ રહેલી આયાતને ગેરકાયદેસર ગણી શકાય નહીં.
યુકેના બિઝનેસ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, યુક્રેન પર આક્રમણના કારણે યુકે સરકારે રશિયન ક્રુડની આયાત પર સંપુર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે આ જ રશિયન ક્રુડને ત્રીજા દેશમાં રિફાઇન કરાય તો તેને રશિયન ઉત્પાદન ગણી શકાય નહીં.


