લંડનઃ ઈંગ્લેન્ડની પ્રતિષ્ઠિત ડરહામ યુનિવર્સિટી (DU)માં હિંદુઓ સાથે ભેદભાવ અને અયોગ્ય વ્યવહાર થતો હોવાથી હિન્દુઓ ચિંતિત છે. હિંદુ રાજનેતા રાજન ઝેડે અમેરિકાના નેવાડામાં નિવેદનમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીએ જાતે સ્વીકાર્યું છે કે ત્યાં હિંદુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં છે. આમ છતાં, આ બહુસાંસ્કૃતિક, બહુધર્મી પબ્લિક રિસર્ચ યુનિવર્સિટીમાં કોઈ હિંદુ ધર્મગુરુ કે હિંદુઓ માટે પૂજા રૂમ નથી.
બીજી તરફ, ત્યાં છ એંગ્લિકન અને રોમન કેથોલિક, બેપ્ટિસ્ટ, ફ્રેન્ડ્સ ઈન્ટરનેશનલ, ઓર્થોડોક્સ એમ ચાર ક્રિશ્ચિયન તથા એક-એક જ્યૂઈશ, મુસ્લિમ અને હ્યુમનિસ્ટ ધર્મગુરુ છે. યુનિવર્સિટીમાં મુસ્લિમો માટે બે અલગ ઈસ્લામિક પ્રેયર રૂમ, એક કોશેર કિચન, અદભૂત કેથેડ્રલ અને નિયમિત સન્ડે સર્વિસ સાથેના આઠ ચેપલ છે. યુનિવર્સિટી હલાલ ફૂડ પણ પૂરું પાડે છે અને તેની કોલેજો દ્વારા કેરોલ સર્વિસીસ જેવી ખાસ ઉજવણીનું આયોજન થતું હોવાનું રાજન ઝેડે જણાવ્યું હતું.
ઝેડે ઉમેર્યું હતું કે પોતાના ધર્મની ખોજ કરવાની અને ધર્મનું પાલન કરવાની તક પૂરી પાડવા પ્રતિબદ્ધ હોવાનો દાવો કરતી પબ્લિક અને ટેક્સપેયરોના નાણાંથી ચાલતી વિશ્વની ટોચની યુનિવર્સિટીઓ પૈકી એક એવી ડરહામ યુનિવર્સિટીએ વિવિધ ધર્મોમાં ભેદભાવ કરવાની અને સમગ્ર કોમ્યુનિટીને ઉતારી પાડવાની કામગીરી કરવી જોઈએ નહિ.
તેમણે હિંદુ ધર્મગુરુની નિમણુંક કરીને, હિંદુધર્મના અભ્યાસને સઘન બનાવીને તથા પૂજા વિધિ માટે એટેચ્ડ કિચન સાથે હિંદુ પૂજા- ધ્યાન હોલ બનાવીને અસમાનતાનો અંત લાવવા યુનિવર્સિટીના ચાન્સેલર સર થોમસ એલન અને યુનિવર્સિટી કાઉન્સિલ ચેર જો ડોકર્ટીને અનુરોધ કર્યો હતો.

