લંડનઃ દેશની શ્રેષ્ઠ ગણાતી કેટલીક યુનિવર્સિટીઓ શિક્ષણના માપદંડના સત્તાવાર ટીચિંગ એક્સેલન્સ ફ્રેમવર્ક (TEF) રેન્કિંગમાં લઘુતમ બેન્ચમાર્ક જ મેળવી શકી છે. બીજી તરફ, નાની અને ખાનગી યુનિવર્સિટી ઓફ બકિંગહામને વ્હાઈટહોલની કોઈ ગ્રાન્ટ મળતી ન હોવાં છતાં દેશમાં સૌથી વધુ માર્ક મેળવનારી સંસ્થાઓમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
સરકાર દ્વારા સૌપ્રથમ વખત શૈક્ષણિક ધોરણોના રેન્ક જાહેર કરવામાં આવ્યા છે, જેમાં શ્રેષ્ઠ ગણાતી કેટલીક યુનિવર્સિટીઓ પાછળ રહી છે જેના પરિણામે, વિદ્યાર્થીઓને તેમના ખર્ચેલા નાણાનું યોગ્ય મૂલ્ય મળે છે કે કેમ તેવો પ્રશ્ન સર્જાયો છે. નબળાં શૈક્ષણિક ધોરણો સાથેની સંસ્થાઓમાં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ, યુનિવર્સિટીઝ ઓફ લિવરપૂલ એન્ડ સાઉથમ્પટન અને વિશ્વખ્યાત સ્કૂલ ઓફ ઓરીએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝનો પણ સમાવેશ થયો છે.
યુનિવર્સિટીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ રેન્ક અપાયાં છે. બ્રોન્ઝ રેન્કમાં સંસ્થાઓ લઘુતમ ગુણવત્તા ધરાવે છે પરંતુ, તેનાથી આગળ વધતી નથી. રસેલ ગ્રૂપની અડધાથી વધુ સંસ્થા ગોલ્ડ રેટિંગ મેળવી શકી નથી. યુનિવર્સિટી કોલેજ લંડનને સિલ્વર તેમજ સેન્ટ જ્યોર્જ મેડિકલ સ્કૂલને બ્રોન્ઝ રેટિંગ મળ્યું છે. સરકારના સંકેત અનુસાર ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ રેન્ક ધરાવતી સંસ્થાઓ જ ૨૦૧૮થી તેમની ફી ફૂગાવાને સુસંગત વધારી શકશે. સપ્ટેમ્બર ૨૦૧૭થી મોટા ભાગની સંસ્થાઓ માટે ફી મર્યાદા ૯,૨૫૦ પાઉન્ડ રહેશે.


