લંડનઃ યુકેમાંથી વિદેશી અપરાધીઓને પ્રત્યર્પિત કરવાની પ્રક્રિયાની સમીક્ષા કરતા ડેપ્યુટી ચીફ ક્રાઉન પ્રોસિક્યુટરે ભારત સરકારને પ્રત્યર્પિત થનારા કોઇપણ આરોપીને દિલ્હીની તિહાર જેલમાં નહીં રાખવાની બાંયધરી આપવાની સલાહઆપી છે. તે ઉપરાંત આરોપી પર કોઇપણ પ્રકારનું ટોર્ચર નહીં થાય, જેલમાં અમાનવીય વ્યવહાર નહીં થાય તેની બાંયધરી આપવાની પણ સલાહ આપી છે.
યુકેની અદાલતો દ્વારા છેલ્લા બે પ્રત્યર્પણ કેસમાં આરોપીઓને ભારતને સોંપવાનો ઇનકાર કરી દીધો છે. વીરકિરણ અવસ્થી અને તેની પત્ની રિતિકા રૂપિયા 750 કરોડના બેન્ક ફ્રોડ કેસમાં ભારતમાં વોન્ટેડ છે અને શસ્ત્ર વચેટિયા સંજય ભંડારીના પ્રત્યર્પણ સામેના યુકે હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકારવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દેવાયો છે.
પ્રોસિક્યુટરે ભારત સરકારને જણાવ્યું છે કે પ્રત્યર્પિત આરોપીઓને તિહાર જેલમાં રાખવા સહિતની બાબતો પ્રત્યર્પણના અન્ય કેસોમાં પણ પ્રભાવ પાડી શકે છે. તેથી ભારત સરકારે યુકેની અદાલતોને વિશ્વાસ અપાવવો પડશે કે પ્રત્યર્પિત થનારા કોઇપણ આરોપીના માનવ અધિકારોનું ઉલ્લંઘન થવું જોઇએ નહીં.