લંડનઃ ભારતીય બેન્કોને હજારો કરોડ રૂપિયાનો ચૂનો લગાવી બ્રિટન સહિતના દેશોમાં આશ્રય લઇ રહેલા આર્થિક અપરાધીઓ પોતાના પ્રત્યર્પણને અટકાવવા નીતનવા કાનૂની હથકંડા અજમાવતા રહે છે. આ કડીમાં ડાયમંડ મર્ચન્ટ નીરવ મોદીએ લંડન હાઇકોર્ટમાં પોતાને લીગલ દસ્તાવેજો ન મળી રહ્યા હોવાનો દાવો કર્યો છે. નીરવ મોદીએ પોતાના બચાવ માટે તૈયારી કરવા વધુ સમય મળી રહે તે માટે જાન્યુઆરી 2026માં યોજાનારી સુનાવણીને પાછી ઠેલવાની માગ કરી છે.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાથ ધરાયેલી સુનાવણીમાં નીરવ મોદીએ જજ ટિન્કલેરને જણાવ્યું હતું કે, મારે મારા બચાવની તૈયારી માટે વધુ સમય અને લીગલ દસ્તાવેજોની જરૂર છે. જજે જણાવ્યું હતું કે, નીરવ મોદી પાસે લીગલ દસ્તાવેજો ન હોવાનો અર્થ એ છે કે તેઓ સુનાવણી માટે તૈયારી કરવાની સ્થિતિમાં નથી.
હવે આ મુદ્દા પર 19 ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે. જજે નીરવ મોદીને તેમના કેસ અંગેના તમામ લીગલ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવાનો પણ આદેશ આપ્યો હતો.


