પ્રત્યર્પણ વિરુદ્ધ નિરવ મોદીની રિન્યુઅલ અપીલની ૨૧ જુલાઈએ થનારી સુનાવણી

Wednesday 07th July 2021 02:46 EDT
 
 

લંડનઃ વોન્ટેડ ડાયમન્ડ મર્ચન્ટ નિરવ મોદીએ આશરે ૨ બિલિયન ડોલરના પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડ કેસમાં ભારતમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોમાં કાનૂની કાર્યવાહી ચલાવવા પ્રત્યર્પણ કરવામાં આવે તેની સામે ૨૯ જૂન મંગળવારે લંડનની હાઈ કોર્ટમાં રિન્યુઅલ અપીલ કરી છે. હવે આ મૌખિક સુનાવણી માગતી રિન્યુઅલ અપીલની સુનાવણી ૨૧ જુલાઈએ કરવામાં આવશે. દરમિયાન નિરવની બહેન પૂર્વી મોદીએ ભારત સરકારને રુપિયા ૧૭.૨૫ કરોડ પરત કર્યા છે.

માર્ચ ૧૯, ૨૦૧૯ના રોજ ધરપકડ પછી સાઉથ-વેસ્ટ લંડનની વોન્ડ્ઝવર્થ જેલમાં કેદ નિરવ મોદીની અગાઉ, હાઈ કોર્ટ અપીલ્સ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં હાર થઈ હતી જ્યારે, મંગળવાર, ૨૨ જૂને હાઈ કોર્ટ જજે ‘ઓન ધ પેપર્સ’ અપીલ કરવાની પરવાનગી આપી ન હતી. જજે અપીલ ફગાવી દીધા પછી નિરવ મોદીના વકીલોની ફોજ પાસે હોમ સેક્રેટરી દ્વારા કરાયેલા પ્રત્યર્પણ આદેશ વિરુદ્ધ રિન્યુઅલ અપીલ કરવા પાંચ દિવસ હતા જે મુદતમાં અરજી કરી દેવાઈ હતી. હવે લંડન હાઈ કોર્ટ ટુંકી સુનાવણીમાં ૧૬ એપ્રિલના પ્રત્યર્પણ આદેશ અથવા નિરવ મોદીને ભારતને પ્રત્યર્પણ કરવાની મંજૂરી આપતા વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટના ફેબ્રુઆરીના ચુકાદા વિરુદ્ધ અપીલ માટે પરવાનગી આપી શકાય તેવી કોઈ મુદ્દો છે કે કેમ તેનો નિર્ણય કરશે.

ભારતીય સત્તાવાળાઓ તરફથી બ્રિટિશ કોર્ટ્સમાં પેરવી કરતી ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ (CPS) દ્વારા અગાઉ જણાવાયું હતું કે તેઓ સુનાવણી અને અપીલ પ્રક્રિયાના આગામી તબક્કાઓની રાહ જોશે. જો મોદીની અપીલ માન્ય રખાશે તો કોઈ પણ અપીલ કાર્યવાહીનો ભારત સરકાર વતી વિરોધ કરીશું. ભારત સરકારે બ્રિટિશ કોર્ટને ખાતરી આપી છે કે પ્રત્યર્પણ પછી નિરવ મોદીને મુંબઈમાં આર્થર રોડ જેલની બેરેક નંબર ૧૨માં રખાશે અને સંપૂર્ણ સબીબી સવલતો પૂરી પાડવામાં આવશે.

નિરવની બહેન પૂર્વીએ ભારતને રુ. ૧૭.૨૫ કરોડ પરત કર્યા  

કેની વોન્ડ્ઝવર્થ જેલમાં બંધ હીરાના ભાગેડુ ડાયમન્ડ બિઝનેસમેન નિરવ મોદીની બહેન પૂર્વી મોદી-મહેતાએ પોતાના બ્રિટિશ બેન્ક ખાતામાં રહેલા ૨૩,૧૬,૮૮૯ ડોલર (રુપિયા ૧૭.૨૫ કરોડ)ની રકમ ભારત સરકારના ખાતામાં ટ્રાન્સફર કરી છે. પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા ૧૩,૫૦૦ કરોડની થયેલી છેતરપિંડી કેસમાં નિરવ મોદીની બહેન પૂર્વી મોદી-મહેતા તાજની સાક્ષી બની છે.

ગેરકાયદે મનીલોન્ડરિંગ કેસમાં પૂર્વી મૈનાક મોદી-મહેતા નિરવ મોદીની સાથે સંડોવાયેલી હતી. તેણે પોતાના પતિ મૈનાક સાતેની સંપત્તિ જાહેર કરેલી છે, જે રુપિયા ૫૭૯ કરોડ હોવાનો અંદાજ છે. પૂર્વી મોદીએ ભારત સરકારના એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ED-ઇડી)ના બેન્કખાતામાં ઉપરોક્ત રકમ જમા કરાવી છે. ઇડીએ આપેલી માહિતી અનુસાર પૂર્વી મોદીએ ૨૪ જૂને બ્રિટનની એક બેન્કમાં તેના નામે એક ખાતું ચાલી રહ્યું હોવાની જાણકારી આપી હતી. આ ખાતું નિરવ મોદીના કહેવાથી ખોલવામાં આવ્યું હતું અને તેમાં રહેલાં નાણાં તેના નથી. ઉલ્લેખનીય છે કે મુંબઈસ્થિત સ્પેશિયલ કોર્ટે પૂર્વી અને તેના પતિને તાજના સાક્ષી બનવાની શરતી માફી આપી હતી. પૂર્વીએ તપાસ એજન્સીઓને તેમની તપાસમાં મદદ કરવા સહમતિ જાહેર કરતાં તેને રાહત આપવામાં આવી હતી.

પૂર્વી મોદી બેલ્જિયન નાગરિક છે જ્યારે તેનો પતિ મૈનાક મહેતા બ્રિટિશ નાગરિક છે. યુએસના ઈન્વેસ્ટિગેટર્સના જણાવ્યા મુજબ પૂર્વી પોઈન્ટ પર્સન અને વાસ્તવિક મેનેજર હતી જે હોંગ કોંગની ફાયરસ્ટાર હોલ્ડિંગ્સ લિમિટેડ (FHL)ના સંચાલનમાં નિરવ મોદીની મદદ કરી રહી હતી. મોદી આ કંપની મારફત ભારતની બહાર તેના ગેરકાનૂની વ્યવહારો ચલાવતો હતો.

પૂર્વીની સંપત્તિમાં મુંબઈમાં રુ.૧૯.૫ કરોડનો ફ્લેટ, સ્વિસ બેન્કના બે ખાતામાં રુ.૨૭૦ કરોડ, ન્યૂ યોર્કમાં રુ.૨૨૦ કરોડની કિંમતના બે ફ્લેટ, લંડનમાં રુ.૬૨ કરોડની કિંમતના એક ફ્લેટ તેમજ મુંબઈમાં બેન્ક એકાઉન્ટમાં રુ.૧.૯૨ કરોડનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter