પ્રથમ ઘર ખરીદવાની યોજનામાં સરકાર દ્વારા ૩૦ ટકા ડિસ્કાઉન્ટ

Wednesday 09th June 2021 07:23 EDT
 
 

લંડનઃ પ્રથમ વખત ઘર ખરીદનારાને સસ્તાં મકાન મળી રહે અને હાઉસિંગ સીડી ચડવામાં સરળતા તે માટે સરકારે ‘ફર્સ્ટ હોમ્સ’ ઈનિશિયેટિવ હેઠળ ૩૦ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. આ ડિસ્કાઉન્ટની છૂટછાટ ૫૦ ટકા સુધી એટલે કે ૧૦૦,૦૦૦ પાઉન્ડ કે તેથી વધુની હોઈ શકે છે. પીઢ સૈનિકો અને ચાવીરુપ વર્કર્સ સહિત સ્થાનિક લોકોને આ યોજનાનો લાભ મળશે. બોરિસ જ્હોન્સનની મહત્ત્વાકાંક્ષા ૨૦૨૪ સુધીમાં નવા દસ લાખ મકાન બાંધવાની છે

સરકારની ‘ફર્સ્ટ હોમ્સ’ પહેલ હેઠળ લોકોને બજારભાવની સરખામણીએ ઓછામાં ઓછું ૩૦ ટકા ડિસ્કાઉન્ટ આપી શકાશે પરંતુ, સ્થાનિક અધિકારીઓ જરુરિયાત અનુસાર ૪૦ ટકા અથવા ૫૦ ટકા સુધીનું મોટું ડિસ્કાઉન્ટ પણ અપાવી શકે છે. આ યોજના માટે પરિવારની મહત્તમ સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા ૮૦,૦૦૦ પાઉન્ડ તેમજ ગ્રેટર લંડનમાં ૯૦,૦૦૦ પાઉન્ડની રહેશે અને સ્થાનિક કાઉન્સિલો દ્વારા NHS નર્સીસ અને સ્ટાફ, શિક્ષકો ડિલિવરી ડ્રાઇવરો અને સુપરમાર્કેટ સ્ટાફ સહિતના ચાવીરુપ વર્કર્સ અથવા સ્થાનિક લોકોને પ્રાથમિકતા અપાશે. ઇંગ્લેન્ડમાં ડિસ્કાઉન્ટ બાદ મકાનનું મહત્તમ મુલ્ય ૨૫૦,૦૦૦ પાઉન્ડ અથવા ગ્રેટર લંડનમાં ૪૨૦,૦૦૦ પાઉન્ડનું જ રહેશે.

સરકાર ઓટમથી માર્કેટમાં વધુ ૧૫૦૦ ઘર માટે ભંડોળ પૂરું પાડશે અને આગામી વર્ષોમાં ઓછામાં ઓછાં  ૧૦,૦૦૦  ઘર સુલભ કરવાની યોજના ધરાવે છે. ‘ફર્સ્ટ હોમ્સ’ ઈનિશિયેટિવ હેઠળ ખરીદાયેલી મિલકત અન્યત્ર સ્થળાંતરના કારણે વેચવાની થાય તો વેચાણકારે તેના ખરીદારને પણ ૩૦ ટકાનું ડિસ્કાન્ટ આપવાનું રહેશે. આમ, વેચાણ હેઠળના ઘર હંમેશાં બજારમૂલ્યથી ઓછી કિંમતે જ મેળવી શકાશે. વર્ષોથી વધતા જતા ભાવ અને વર્તમાન સ્ટેમ્પ ડ્યુટી ટેક્સ રાહતથી હાઉસિંગ માર્કેટમાં તેજી જણાય છે અને એક જ વર્ષમાં બે આંકડાનો વધારો નોંધાયો છે. સરકાર વધુ અને વધુ લોકો પ્રોપર્ટી લેડર પર મૂકાય તેમ ઈચ્છે છે. જોકે, કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આવા ઘરોની માગ પુરવઠા કરતા વધી જવાથી ભાવમાં વધુ તેજી આવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter