પ્રથમ ભારતીય મહિલા બેરિસ્ટર કોર્નેલિઆ સોરાબજીની ૧૫૦ની જન્મજયંતી ઉજવાઈ

રાણી સિંહ અને રુપાંજના દત્તા Tuesday 22nd November 2016 13:07 EST
 
 

લંડનઃ યુકેસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા સૌપ્રથમ ભારતીય મહિલા બેરિસ્ટર અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૧૮૮૯માં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરનારી સૌપ્રથમ મહિલા કોર્નેલિઆ સોરાબજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીનું આયોજન કરાયું હતું. મિસ સોરાબજીએ કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો તે ઓક્સફર્ડની સમરવિલે કોલેજ આ કાર્યક્રમમાં સહભાગી બની હતી, જેમાં વરિષ્ઠ જજીસ, કાયદાના પ્રેક્ટિશનર્સ, લો સ્કૂલ્સના ફેકલ્ટીઝ અને વિદ્યાર્થીઓ, યુકેની નામાંકિત કાનૂની પેઢીઓના પ્રતિનિધિઓ, ઈતિહાસવિદો, લેખકો, એડિટર્સ અને મીડિયા પ્રતિનિધિઓ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.

મહાનુભાવો અને વક્તાઓમાં બ્રિટિશ ભારતીય એન્ટ્રેપ્રીન્યોર અને આજીવન ઉમરાવ લોર્ડ કરન બિલિમોરિયા (જેઓ સમરવિલે કોલેજમાં ઈન્દિરા ગાંધી સ્કોલરશિપ્સ માટે ભારત સરકારના નિયુક્ત પ્રતિનિધિ પણ છે), પ્રોફે.એન ડેવિસ અને પ્રોફે. ટિમોથી એન્ડિકોટ (ઓક્સફર્ડ લો ફેકલ્ટીના ડીન્સ), લેડી હેઝલ ફોક્સ QC, જજ રબિન્દર સિંહ (એશિયામાંથી નસૌપ્રથમ ફીલ-ટાઈમ હાઈ કોર્ટ જજ), જજ ડેબોરાહ ટેલર, માલ્કોમ ડેબ્બુ (ઝોરોસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપના પ્રેસિડેન્ટ), પ્રોફેસર સર રિચાર્ડ સોરાબજી (મિસ કોર્નેલિઆ સોરાબજીના સત્તાવાર બાયોગ્રાફર) તથા ઈતિહાસવિદ અને ‘An Indian Portia: Selected Writings of Cornelia Sorabji’ના એડિટર ડો. કુસુમ વડગામાનો સમાવેશ થયો હતો.

કાર્યકારી હાઈ કમિશનર દિનેશ કે. પટનાયક સહિતના વક્તાઓએ તમામ અવરોધોનો સામનો કરી બોમ્બે યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારી પ્રથમ મહિલા મિસ સોરાબજીના ઉદાહરણરુપ જીવન વિશે વિસ્તૃતમાં જણાવ્યું હતું. અહીં ફર્સ્ટ ક્લાસ ઓનર્સ પ્રાપ્ત કરી મિસ સોરાબજી બ્રિટિશ લિબરલ એસ્ટાબ્લિશમેન્ટની સહાયથી ઓક્સફર્ડ આવ્યાં હતાં અને પાછળથી ઓક્સફર્ડમાં કાયદાનો અભ્યાસ કરનારાં કોઈ પણ દેશની નાગરિકતા સાથેની પ્રથમ મહિલા બન્યાં હતાં. મિસ કોર્નેલિઆ સોરાબજીએ બેંગાલ કોર્ટ ઓફ વોર્ડ્સના કાનૂની સલાહકાર તરીકે સેવા આપી એકલવાયી સ્ત્રીઓ અને તેમનાં પરિવારોની સેવા કરવા સાથે તેમના શિક્ષણ અને કાનૂની અધિકારો માટે લડતો ચલાવી હતી.

આ કાર્યક્રમમાં કોર્નેલિઆ સોરાબજીની યાદમાં ઓક્સફર્ડ ઈન્ડિયા સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમરવિલે કોલેજ ખાતે ભારતીય વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરાયેલી પોસ્ટગ્રેજ્યુએટ લો સ્કોલરશિપ્સ મહત્ત્વપૂર્ણ બની રહી હતી. મિસ કોર્નેલિઆનાં ભત્રીજા સર રિચાર્ડ સોરાબજીએ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘ કાયદાશાસ્ત્ર અને મહિલા ધારાશાસ્ત્રીઓની પરંપરા ધરાવતી સમરવિલે કોલેજમાં અભ્યાસ કરવા આવવા હવે ભારતીય લોયર્સને સ્કોલરશિપ્સ અપાઈ રહી છે તેનું વિશેષ મહત્ત્વ છે. હું માનું છું કે ભારતીય કાયદા ઘણા રસપ્રદ છે અને તેનું બંધારણ ભારે પ્રભાવશાળી છે.’

લોર્ડ કરન બિલિમોરિયાએ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘૧૭ નવેમ્બરના ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્ન્સ ડે પર કોર્નેલિઆ સોરાબજીની ૧૫૦મી જન્મજયંતી ઉજવાઈ રહી છે. મને આશ્ચર્ય થાય છે કે ભારતમાં તેમણે અવરોધો પાર કરવા કેટલો સંઘર્ષ કર્યો હશે. બ્રિટનમાં પણ ઓક્સફર્ડમાં કાયદાનો અભ્યાસ કરનારી પ્રથમ મહિલા અને તે પણ ભારતીય મહિલા હતી. સંબોધનો પૂર્ણ થયા પછી ઓડિયન્સે નહેરુ હોલમાં સ્વાદિષ્ટ ભોજન માણ્યું હતું. કાર્યકારી હાઈ કમિશનર દિનેશ કે. પટનાયકે અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,‘આપણે વિશ્વ માટે પ્રથમ વખત દ્વાર ખોલનારા વ્યક્તિત્વ વિશે વાત કરી રહ્યા હતા. તેઓ ઓક્સફર્ડમાં અભ્યાસ કરનારી પ્રથમ મહિલા ધારાશાસ્ત્રી હતાં. ભારતમાં જ્યારે બધાએ તેમને અટકાવવા પ્રયાસ કર્યો ત્યારે તેમણે સામનો કર્યો હતો. યુકે તેમને સ્કોલરશિપ આપવા તૈયાર ન હતું ત્યારે અહીં આવવા તેમણે સ્કોલરશિપ મેળવી હતી, તેમને ઓક્સફર્ડમાં અભ્યાસ કરવો હતો અને ઓક્સફર્ડે તેમને ઈનકાર કર્યો હતો. તેઓ એવી વ્યક્તિ હતી જેણે સ્થાપિત મૂલ્યો તોડ્યાં હતાં. આજની ઉજવણી મહિલા કોર્નેલિઆ સોરાબજીની ન હતી. આ ઉજવણી તો નારીત્વની અને અંતહીન સંઘર્ષની હતી.’

ડો. કુસુમ વડગામાએ અમને જણાવ્યું હતું કે,‘મેં આ મહિલા સાથે ૩૦ વર્ષ વીતાવ્યાં છે. તેમણે સૌથી કચડાયેલાં લોકોની મદદ કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ કહેતાં કે મારાં હૃદયમાં બે નાડી ધબકે છે, એક ભારત માટે અને બીજી બ્રિટન માટે.’ સમરવિલે કોલેજના પ્રિન્સિપાલ ડો. એલિસ પ્રોચાસ્કાએ જણાવ્યું હતું કે,‘સમરવિલે કોલેજમાં ભારતના લો સ્ટુડન્ટ્સ માટે સ્કોલરશિપ સ્થાપીને ભારતીય મહિલાના પ્રેરણાદાયી કાર્યની પરંપરા આગળ ધપાવવાનું અમને ગૌરવ છે. સમરવિલે ખાતે વધુ ભારતીયોને લાવવાની અમને આશા છે.’

ધ કોર્નેલિઆ સોરાબજી લો પ્રોગ્રામ

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ સપ્ટેમ્બરમાં કોર્નેલિઆ સોરાબજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે વિશ્વપ્રસિદ્ધ સંસ્થામાં કાયદાનો અભ્યાસ કરવા ભારતીય વિદ્યાર્થીઓને મદદરુપ બનવા નવી સ્કોલરશિપ્સની જાહેરાત કરી હતી. આ સ્કોલરશિપમાં ડીગ્રીના સંપૂર્ણ ખર્ચના ૫૦ ટકા સુધી સહાયનો સમાવેશ થાય છે. ટ્યુશન ફી અને રહેવા સાથે આ ખર્ચ સામાન્યપણે ૩૬,૦૦૦ પાઉન્ડ જેટલો હોય છે. પ્રથમ કોર્નેલિઆ સોરાબજી સ્કોલરશિપ ઈન લો મેળવનાર ચંદીગઢની દિવ્યા શર્મા છે, જેણે બેચલર ઓફ સિવિલ લો (BCL)ની ડીગ્રીનો અભ્યાસ હાથ ધર્યો છે. દિવ્યા શર્માએ ૨૦૧૨માં ભોપાલની નેશનલ લો ઈન્સ્ટિટ્યુટ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન સાધે સ્નાતકની ડીગ્રી મેળવી હતી. આ પછી તેણે ચાર વર્ષ સુધી ભારતમાં કોર્પોરેટ લોની પ્રેક્ટિસ કરી હતી. BCL પૂર્ણ કર્યા પછી તે ભારતમાં ટ્રાન્ઝેક્શનલ લોયર તરીકે પ્રેક્ટિસ કરવાનો ઈરાદો ધરાવે છે.

નવી દિલ્હીના મિ. હેમંત સહાયની ઉદારતા થકી કોલેજ દ્વારા કોર્નેલિઆ સોરાબજી લો પ્રોગ્રામ હેઠળ અન્ય ભારતીય BCL વિદ્યાર્થી નાવ્યા જાનુ માટે HSA Advocates Award જાહેર કરાયો છે. નાવ્યા ઓગસ્ટ ૨૦૧૬માં જિન્દાલ ગ્લોબલ લો સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થઈ છે. BCL ડીગ્રી હાંસલ કર્યા પછી તે ભારતમાં પબ્લિક, એનર્જી અને એન્વિરોનમેન્ટલ લોમાં પ્રેક્ટિસ અને કાનૂન એકેડેમિક કારકિર્દી બનાવવા માગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter