લંડનઃ બોરિસ જહોન્સને લાંબા ગાળા માટે ‘જનરેશન રેન્ટનું જનરેશન બાય’માં રૂપાંતરણ કરવાની સાથે ફર્સ્ટ ટાઈમ બાયર્સને એટલે કે પહેલી વખત મકાન ખરીદનારને મકાનની કિંમતના ૯૫ ટકા સુધીનું ફિક્સ્ડ રેટ મોર્ગેજનું વચન આપ્યું હતું. કન્ઝર્વેટિવ પાર્ટીની ઓનલાઈન કોન્ફરન્સને સંબોધનમાં વડા પ્રધાન જહોન્સને જણાવ્યું કે તેઓ પડી ભાંગેલા હાઉસિંગ માર્કેટને ઉભું કરવા અને યુવાનોને હાઉસિંગની સુવિધા આપવા માગે છે.
તેમણે કડક પ્લાનિંગ સિસ્ટમમાં ફેરફાર કરવાની અને ગ્રીનબેલ્ટને નુક્સાન પહોંચાડ્યા વિના અથવા ગ્રામીણ વિસ્તારોની ગરિમાને હાનિ પહોંચાડ્યા વિના નવા સુંદર મકાનો બાંધવા સિસ્ટમને ઝડપી અને સરળ બનાવવાની ખાતરી આપી હતી. જોકે, જહોન્સને ઉમેર્યું હતું કે આ સુધારા આવતા સમય લાગશે અને તેટલા સુધારા પૂરતા નથી. ૨૦૧૯ના ચૂંટણી ઢંઢેરાના એક વચનને આગળ ધપાવવાની જરૂર છે. તેમાં પ્રથમ વખત મકાન ખરીદનાર માટે ડિપોઝિટ ઘટાડીને મકાનની કિંમતના ૯૫ ટકા સુધી મોર્ગેજની સુવિધા હશે. તેમને મકાન માલિક બનવાની તકની સાથે આનંદ અને ગર્વની અનુભૂતિ આપવાની છે.
તેમણે ઉમેર્યું કે તેઓ માને છે કે આ નીતિને લીધે વધુ બે મિલિયન મકાનમાલિકો ઉભા થશે, જે હોમ ઓનરશિપનું ૧૯૯૦થી અત્યાર સુધીનું સૌથી મોટું વિસ્તરણ હશે. જોકે, સરકારના પ્રવક્તા આ મોર્ગેજ નીતિ અંગે વધુ માહિતી આપી શક્યા ન હતા.
શેડો હાઉસિંગ સેક્રેટરી થંગમ ડેબોનેરે જણાવ્યું કે મકાનમાલિકોની સંખ્યા વધારવામાં ટોરી દસ વર્ષથી નિષ્ફળ રહ્યા છે. લોકો પાસે જ્યાં સુધી નોકરી નહિ હોય અને ખર્ચ કરવા માટે આવક નહિ હોય ત્યાં સુધી હાઉસિંગ માર્કેટને ઉભું કરી શકાશે નહિ.
નેશનલ લેન્ડલોર્ડ્સ એસોસિએશનના પોલીસી ડાયરેક્ટર ક્રિસ નોરિસે વડા પ્રધાનની ભાષાની ટીકા કરતા જણાવ્યું કે મકાનમાલિકોને તેમની પ્રોપર્ટી ફર્સ્ટ ટાઈમ બાયર્સને વેચવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. સરકાર ખરેખર હોમ ઓનરશિપને સહાય કરવા માગતી હોય તો તેણે ટેક્સ સિસ્ટમમાં પણ ફેરફાર કરવો જોઈએ.


