પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે દાદાએ બ્રિટનને આપી હતી લોન, હવે પૌત્ર કરશે વસૂલી

ભોપાલના વિવેક રુથિયાનો દાવોઃ 1917માં મારા દાદા શેઠ જુમ્માલાલે બ્રિટિશ સામ્રાજ્યને રૂપિયા 35,000ની લોન આપી હતી

Tuesday 03rd March 2026 11:39 EST
 
 

લંડનઃ ભારતના મધ્યપ્રદેશના શિહોર જિલ્લાના એક વ્યક્તિએ 109 વર્ષ પહેલાં તેના દાદા દ્વારા બ્રિટિશ સરકારને આપવામાં આવેલી લોન પરત મેળવવા કાનૂની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. હાલ ભોપાલના 63 વર્ષીય વિવેક રુથિયાએ દાવો કર્યો છે કે વર્ષ 1917માં પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન તેમના દાદા શેઠ જુમ્મા લાલ રુથિયાએ બ્રિટિશ સામ્રાજ્યને 35,000 રૂપિયાની લોન આપી હતી. તાજેતરમાં પોતાના પારિવારિક દસ્તાવેજો તપાસતી વખતે વિવેકને આ ઐતિહાસિક લોનનું સર્ટિફિકેટ મળી આવ્યું હતું, જેના આધારે તેઓ હવે વ્યાજ સહિત કરોડો રૂપિયાની રકમ પરત માંગવાની યોજના બનાવી રહ્યા છે.

પરિવાર પાસે રહેલા જૂન 1917ના આ સર્ટિફિકેટ મુજબ, શેઠ જુમ્મા લાલે ઇન્ડિયન વોર લોન હેઠળ આ રકમ જમા કરાવી હતી. આ દસ્તાવેજ પર તે સમયના ભોપાલના પોલિટિકલ એજન્ટ ડબલ્યુ. એસ. ડેવિસના હસ્તાક્ષર પણ છે. વિવેક રુથિયાનું કહેવું છે કે તેમના દાદાએ બ્રિટિશ સરકાર પ્રત્યે વફાદારી દર્શાવવા અને યુદ્ધમાં સહાય કરવા માટે આ મોટી રકમ આપી હતી, પરંતુ આ લોન ક્યારેય પરત કરવામાં આવી નથી. તેમના પિતાએ આ બાબતે ક્યારેય કોઈ કાર્યવાહી કરી ન હતી, પરંતુ હવે જ્યારે આ દસ્તાવેજ સામે આવ્યો છે, ત્યારે તેઓ વર્તમાન યુનાઇટેડ કિંગડમ (UK) સરકાર પાસેથી આ નાણાં વસૂલવા માટે વકીલોની સલાહ લઈ રહ્યા છે.

જો 1917ની 35,000 રૂપિયાની રકમની ગણતરી આજના મોંઘવારી દર અને 5.5 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ મુજબ કરવામાં આવે, તો આ રકમ અનેક ગણી વધીને કરોડોમાં પહોંચી શકે છે. જો સોનાના ભાવ સાથે તેને સરખાવવામાં આવે તો પણ આ કિંમત 10 કરોડ રૂપિયાથી વધુ થવાનો અંદાજ છે. જોકે, કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે આટલા જૂના અને સંસ્થાનવાદી સમયના દાવાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પડકારવા ખૂબ જ જટિલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter