લંડનઃ ક્વીન કેમિલા સાથે મોન્ડી થર્સડે નિમિત્તે ડરહામ કેથેડ્રલની મુલાકાત લેતા પહેલાં કિંગ ચાર્લ્સે દેશવાસીઓને ઇસ્ટર સન્ડેની શુભેચ્છા પાઠવતાં યહૂદી અને ઇસ્લામ ધર્મની પ્રશંસા કરી હતી.
સોશિયલ મીડિયા પર પાઠવેલા સંદેશમાં કિંગ ચાર્લ્સે જણાવ્યું હતું કે, મોન્ડી થર્સડેના દિવસે પ્રભુ ઇસુએ તેમના શિષ્યોના પગ ધોયાં હતા. તેમનું આ નમ્ર વર્તન તેમના અમાપ પ્રેમનું પ્રતીક છે. પ્રભુ ઇસુની નમ્રતા અને પ્રેમ ખ્રિસ્તી આસ્થાનું હાર્દ છે. પ્રભુ ઇસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે વ્યક્ત કરેલો પ્રેમ અજાણ્યાની પણ કાળજી લેવાના યહૂદી સિદ્ધાંતનું પ્રતિબિંબ પાડે છે. આવી જ માનવતાનું પ્રતિબિંબ ઇસ્લામ અને અન્ય ધાર્મિક પરંપરાઓમાં પણ છે.
કિંગ ચાર્લ્સે જણાવ્યું હતું કે, ઇસ્ટર સન્ડેનો મુખ્ય સંદેશ એ છે કે પરમેશ્વરે સમગ્ર જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાના એકાકીજનિત પુત્રને પૃથ્વી પર મોકલી આપ્યા જે આપણને એકબીજાને કેવી રીતે પ્રેમ કરવો તે શીખવી શકે. તેઓ માનવજાત માટેના પ્રેમને કારણે બલિદાન આપે અને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરે. આજે પણ વિશ્વને આસ્થા, આશા અને પ્રેમની તાતી જરૂર છે. આ સત્ય મારા મન અને હૃદય પર કોતરાયેલું છે. હું તમામને ઇસ્ટરની શુભેચ્છા પાઠવું છું.


