લંડનઃ યુએસ પ્રમુખ જો બાઈડેન અને તેમના પત્ની જિલ બાઈડેને ૧૩ જૂન રવિવારે વિન્ડસર કેસલ ખાતે ક્વીનની મુલાકાત લીધી હતી. તેમના માટે અભૂતપૂર્વ અનુભવ બની રહ્યો હતો અને બાઈડેને ક્વીનને પોતાની માતા સમાન ગણાવ્યા હતા. જોકે, તેમણે ક્વીન સાથેની વાતચીત મુદ્દે શિષ્ટાચાર પણ તોડ્યો હતો. યુએસ અને યુકેના સંબંધોમાં ક્વીન શુભેચ્છાનું પ્રતીક બની રહ્યાં છે. પ્રમુખ બાઈડેને ક્વીનને વ્હાઈટ હાઉસની મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું છે.
ક્વીન સાથે મુલાકાત પછી અને યુકેથી વિદાય લેતા અગાઉ ૭૮ વર્ષીય પ્રમુખ બાઈડેને રિપોર્ટ્સ સાથે ક્વીન વિશે વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે,‘અમે લાંબી વાતો કરી હતી. તેઓ ઘણા ઉદાર છે. મને લાગતું નથી કે તેમને અપમાનજનક લાગશે પરંતુ, તેમણે મને મારી માતાની યાદ અપાવી હતી. તેમના દેખાવ અને ઉદારતા મળતાં આવ્યાં. તેઓ ગરિમાપૂર્ણ છે.’
બાઈડેને શિષ્ટાચાર તોડી ભાંગરો વાટ્યો
યુએસ પ્રમુખ બાઈડેને ક્વીન સાથે પોતાની વાતો જાહેર કરીને વિશ્વાસભંગ તથા રાજદ્વારી અને શાહી શિષ્ટાચારનું ઉલ્લંઘન કર્યું હતું. સામાન્ય પ્રોટોકલ મુજબ ક્વીન સાથેની ખાનગી વાતચીત જાહેર કરાતી નથી. બાઈડેને કહ્યું હતું કે ક્વીને રશિયા અને ચીનના પ્રમુખો- વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગ વિશે જાણવા માગ્યું હતું. બાઈડેન ૧૬ જૂને પુતિનને જીનિવામાં મળવાના છે. ક્વીન સાથે મુલાકાતમાં બાઈડેને પોતાના સનગ્લાસીસ પહેરેલા રાખીને પણ બીજો પ્રોટોકોલ તોડ્યો હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે બાઈડેનના પુરોગામી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૧૮માં ક્વીનની મુલાકાત લીધી ત્યારે તેમણે શિષ્ટાચારનો ભંગ કર્યો હતો.
જી-૭ બેઠકના દિવસોમાં ૯૫ વર્ષીય ક્વીન ભારે વ્યસ્ત રહ્યા હતા. તેમણે ગત શુક્રવારે એડન પ્રોજેક્ટ ખાતે જ-૭ દેશોના નેતાઓ માટે ડિનરનું આયોજન કર્યું હતું. ૧૪ જૂને તેમના સત્તાવાર જન્મદિને વિન્ડસર કેસલ ખાતે આયોજિત ટ્રૂપિંગ ધ કલર કાર્યક્રમમાં પણ તેમણે ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.
હેરી ટ્રુમેને ૧૯૫૧માં વોશિંગ્ટન ડીસી ખાતે પ્રિન્સેસ એલિઝાબેથની સરભરા કરી તે પછી ક્વીનને મળવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. બાઈડેન ક્વીનને મળનારા ૧૩મા યુએસ પ્રમુખ છે. ક્વીનના ૭૦ વર્ષના શાસનકાળમાં માત્ર પ્રમુખ લિન્ડન બી. જ્હોન્સન સાથે મુલાકાત શક્ય બની ન હતી.