લંડનઃ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડન ખાતે શનિવાર,૧૯ ડિસેમ્બરે પ્રમુખ સ્વામી મહારાજના ૯૫મા જન્મદિનની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ સ્વામી મહારાજના ઉદાહરણીય જીવનની તલસ્પર્શી અસરો દર્શાવતા કાર્યક્રમમાં વિવિધ વિડિયો ક્લિપ્સ, ભક્તિગીતો, સાધુ-સંતોના ઉપદેશો અને નાટ્યકૃતિઓ રજૂ કરાઈ હતી. વીકેન્ડ દરમિયાન બ્રિટન અને વિશ્વભરના મંદિરો અને કેન્દ્રોમાં લોકો આ પ્રસંગમાં સહભાગી બનવા એકત્ર થયા હતા. ગુજરાતના સારંગપુર ખાતે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણીની સત્તાવાર ઘોષણા પણ કરાઈ હતી. સારંગપુર ખાતે આશરે ૨૫૦,૦૦૦ ભક્તો સ્વામીજીના જન્મદિનની ઉજવણીમાં સામેલ થયા હતા.
બાળકોએ સદ્પુરુષના ગુણો દર્શાવતા ભક્તિગીતોની રજૂઆત કરી હતી. આ પછી સમાજ પર પ્રમુખ સ્વામી મહારાજની વિધેયાત્મક અને જીવનને બદલાવતી અસરોને વિવિધ વિડિયો ક્લિપ્સ દ્વારા દર્શાવાઈ હતી. ઓડિયન્સના સભ્યોએ પોતાના ગુરુવર્યના અંગત સ્મરણો અને તેમના અનુભવોએ જીવનને વધુ સારું કેવી રીતે બનાવ્યું તેના વર્ણનો કર્યા હતા. આનંદપ્રિય સ્વામીએ ભક્તોની સેવા કરવાના સ્વામીજીના અથાક પ્રયાસોની જીવનયાત્રાની હકીકતોને આંકડા સાથે સ્ક્રીન પર દર્શાવી હતી. પ્રબુદ્ધમુનિ સ્વામીએ ભગવાન સ્વામીનારાયણના પાંચમા વારસદાર તરીકે પ્રમુખ સ્વામીના આધ્યાત્મિક દરજ્જા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
યુવાનોએ સ્વામીજીના જીવન અને કવનને આદરાંજલિ અર્પવા ભજનો ગાયા હતા. સાધુઓએ અંગત ભક્તિભાવના પ્રતીકરૂપે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ પર પુષ્પાંજલિ કરી હતી. નાના બાળકની પ્રાર્થના સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આ બાળકે ઓગસ્ટમાં લંડન મંદિરની ૨૦મી વર્ષગાંઠ નિમિત્તે અંતિમ ઉજવણીમાં પ્રમુખ સ્વામી મહારાજની ૧૦૦મી વર્ષગાંઠ ઉજવવાની ઈચ્છા દર્શાવતી પ્રાર્થના ભક્તો વતી કરી હતી.


