પ્રમોદ મિત્તલ નાદાર જાહેર

Wednesday 01st July 2020 06:26 EDT
 
 

લંડનઃ વિશ્વની સૌથી મોટી સ્ટીલ નિર્માતા કંપની આર્સેલર મિત્તલના માલિક અને બ્રિટનના સૌથી ધનિક ભારતીયોમાં એક લક્ષ્મી મિત્તલના ભાઇ પ્રમોદ મિત્તલને નાદાર જાહેર કરાયા છે. તેઓ ૧૩૦ મિલિયન પાઉન્ડથી વધુ રકમનું દેવું ચૂકવી ન શકતા તેમને નાદાર જાહેર કરવામાં આવ્યા છે. જોકે, તેઓ બેન્કરપ્સી ઓર્ડર વિરુદ્ધ અપીલ કરવાનું વિચારતા હોવાના પણ અહેવાલ છે. તેઓ બોસ્નિયાની જે કંપનીમાં ગેરન્ટર હતા તે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સાથે સાંઠગાંઠની તપાસ હેઠળ હતી. પ્રમોદ મિત્તલ ૨૦૧૩માં પોતાની પુત્રીના ભવ્યાતિભવ્ય લગ્નસમારોહ માટે દુનિયાભરના અખબારોમાં છવાયા હતા. બાર્સેલોનામાં યોજાયેલા ત્રણ દિવસના આ લગ્નસમારોહ પાછળ ૫૦ મિલિયન પાઉન્ડનો જંગી ખર્ચ થયો હતો. પ્રમોદ મિત્તલની નાદારી સ્ટીલ ઉત્પાદનમાં ઉપયોગી કોકની ઉત્પાદક અને Gikilના નામે જાણીતી બોસ્નિયા-સ્થિત કંપની ગ્લોબલ ઈસ્પાત કોક્સના ઈન્ડસ્ટ્રીજા લુકાવાકના દેવાં સાથે સંકળાયેલી છે, જેની અનેક લોન સામે તેઓ ૨૦૦૬માં જામીનદાર બન્યા હતા. Gikil ખાતે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમની તપાસ વેળા છેતરપિંડી અને સત્તાના દુરૂપયોગ બદલ ગયા જુલાઈમાં પ્રમોદની ધરપકડ પણ કરાઈ હતી.
જોકે બાદમાં તેમને એક મિલિયન યુરોના જામીન પર મુક્ત કરાયા હતા. જોકે, તપાસ ચાલુ રખાઈ છે. આ તપાસના પગલે પ્રમોદ મિત્તલે નાણા ગુમાવ્યા હતા.
પ્રમોદ ૨૦૦૩થી સુપરવાઇઝરી બોર્ડના ચેરમેન તરીકે ૧૦૦૦ કર્મચારી ધરાવતી આ કંપનીનું સંચાલન કરી રહ્યા હતા. ૨૦૧૩માં પ્રમોદ મિત્તલે ૧૬૬ મિલિયન ડોલરનું દેવું નહિ ચુકવતા લંડનસ્થિત સ્ટેમકોરના તાબા હેઠળની અન્ય સ્વતંત્ર કંપની મૂરગેટ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કાનૂની કાર્યવાહી કરાઈ હતી અને ઈન્સોલ્વન્સી એન્ડ કંપનીઝ કોર્ટ દ્વારા મિત્તલને નાદારીનો આદેશ કરાયો હતો.
બ્રિટિશ ભારતીય ધનાઢ્યોમાં એક અને વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપનીના ૭૦ વર્ષીય માલિક લક્ષ્મી મિત્તલ ૬.૭૮ બિલિયન પાઉન્ડની સંપત્તિ અને મેફેરમાં ૩૦૦ મિલિયન પાઉન્ડની કિંમતનું ભવ્ય મેન્શન ધરાવે છે. જોકે, સૂત્રોએ જણાવ્યા અનુસાર પિતાની મિલકત અંગે લક્ષ્મી મિત્તલ અને પ્રમોદ મિત્તલ વચ્ચે વિવાદ ચાલતો હતો.
લક્ષ્મી મિત્તલ પ્રમોદને દેવાંમાંથી ઉગારવા જરા પણ ઈચ્છુક નથી. જોકે, લક્ષ્મી મિત્તલે ભૂતકાળમાં પોતાના ભાઇ પ્રમોદની અનેક વખત મદદ કરી હતી. લક્ષ્મી મિત્તલે પણ ૨૦૦૪માં પેલેસ ઓફ વર્સેલીસ ખાતે પુત્રી વનિશાના લગ્નમાં ૪૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો હતો જેમાં, એફિલ ટાવર પર ભવ્ય આતશબાજી ઉપરાંત, કાયલી મિનોગના લાઈવ પરફોર્મન્સ સહિતના શાનદાર કાર્યક્રમોનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter