લંડનઃ માનવી જિજ્ઞાસાપ્રિય હોવાથી પ્રવાસનો શોખ રાખે છે. પર્યટનમાં વિવિધ વિસ્તારોમાં જોવાલાયક સ્થળો, લોકોની રહેણીકરણી અને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાનો મુખ્ય હેતુ રહેલો છે. બ્રિટિશ પર્યટકો પણ વિશ્વપ્રસિદ્ધ સ્થળોની મુલાકાત લેવામાં પાછા પડતા નથી. પરંતુ એક તાજા અભ્યાસ અનુસાર લગભગ અડધા પર્યટકો આ સ્થળોને રસ અને ઝીણવટથી નિહાળવાના બદલે તેની આગળ ‘સેલ્ફી’ લઈને થોડી મિનિટોમાં રવાના થઈ જાય છે. સાઈટસીઈંગનો તેમનો અભિગમ હવે ‘ફોટો ખેંચો, ટ્વીટ કરો અને રવાના થાવ’નો જ રહ્યો છે.
પર્યટન સ્થળોએ ખેંચેલી તસ્વીરો સોશિયલ મીડિયા પર મિત્રો અને ફેમિલી સાથે શેર કરવાના ઈરાદા સાથે જ પ્રવાસ થાય છે. સંશોધન અનુસાર સેલ્ફી લેવા માટે પેરિસનું એફીલ ટાવર, બાર્સેલોનાનું સાગ્રાડા દ ફેમીલીઆ, યુકેનું સ્ટોનહેન્જ અને રોમનું કોલોસીયમ મુખ્ય પસંદગીના સ્થળો છે. તારણો અનુસાર સરેરાશ બ્રિટિશર રજાઓના પ્રવાસમાં ૮૮ તસ્વીર ખેંચે છે, જેમાંથી ૨૨ તસવીર ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક તથા અન્ય ઓનલાઈન સાઈટ્સ પર મૂકે છે. તેમના માટે તસ્વીરો લેવા માટે સ્પેન (૩૩ ટકા) સૌથી પસંદગીનું સ્થળ છે, તે પછી ઈટાલી (૨૪ ટકા) અને ફ્રાન્સ (૧૭ ટકા) આવે છે.
એક એરલાઈન્સના અભ્યાસમાં ૪૬ ટકા પ્રવાસીએ સ્વીકાર્યું હતું કે તેમણે વિશિષ્ટ લેન્ડમાર્ક્સની સેલ્ફી લીધી હતી અને થોડી મિનિટોમાં ત્યાંથી નીકળી ગયા હતા. વધુ ૨૫ ટકાએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર તસ્વીરો પોસ્ટ કરવા માટે જ તેમણે પ્રવાસ ગોઠવ્યો હતો. વાસ્તવમાં આપણે રજાઓમાં પ્રવાસની બડાશ મારવા એટલા આતુર હોઈએ છીએ કે લગભગ આઠ ટકા લોકો પ્રવાસના સ્થળે પહોંચ્યાના પ્રથમ કલાકમાં જ તસ્વીરો પોસ્ટ કરે છે, જ્યારે વધુ ૧૧ ટકા લોકોએ રજાના પ્રથમ ૧૨ કલાકમાં તસ્વીરો પોસ્ટ કરી હતી.


