પ્રવાસી ભારતીય દિવસ પર યુકે – ઇન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમનો પ્રારંભ કરાયો

3000 ભારતીય અને બ્રિટિશ યુવાઓને એકબીજાના દેશમાં બે વર્ષ સુધી વસવાટ, અભ્યાસ, નોકરી અને બિઝનેસની પરવાનગી આ સ્કીમ અંતર્ગત અપાશે

Wednesday 11th January 2023 05:40 EST
 
 

લંડન

3000 ભારતીય અને બ્રિટિશ યુવાઓને એકબીજાના દેશમાં વસવાટ, અભ્યાસ અને કામ કરવાની પરવાનગી આપતી યુકે-ઇન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમનો ગયા સપ્તાહમાં લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન ખાતે પ્રારંભ કરાયો હતો. બ્રિટન ખાતેના ભારતીય હાઇ કમિશનર વિક્રમ દોરાઇસ્વામી અને યુકે હોમ ઓફિસના પર્મેનેન્ટ સેક્રેટરી મેથ્યૂ રાયક્રોફ્ટે આ સ્કીમના દસ્તાવેજોની આપલે કરી હતી. આ સ્કીમનો પ્રારંભ આમ તો માર્ચથી થવાનો હતો પરંતુ પ્રવાસી ભારતીય દિવસના અનુસંધાનમાં પ્રારંભ કરી દેવાયો હતો.

આ સ્કીમ અંતર્ગત 18થી 30 વર્ષના ભારતીય અને બ્રિટિશ યુવાઓ નોકરી નહીં હોય તો પણ બે વર્ષ સુધી એકબીજા દેશમાં વસવાટ કરી શકશે. આ સમયગાળા દરમિયાન તેઓ નોકરીની તલાશ કરી શકશે, નોકરી કરી શકશે, અભ્યાસ કરી શકશે, સ્વયંસેવી કાર્યો કરી શકશે અથવા તો પોતાનો બિઝનેસ પણ શરૂ કરી શકશે. પરંતુ આ માટેનો તમામ ખર્ચ તેમણે પોતે ઉઠાવવાનો રહેશે. આ સ્કીમ અંતર્ગત બ્રિટન આવનારા ભારતીયોને સરકાર દ્વારા અપાતા કોઇપણ લાભ મળશે નહીં. તેમનો વિઝા લંબાવી શકાશે નહીં.

આ પ્રસંગે દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, તમે કોઇપણ અભ્યાસ કરી શકો છો, દરરોજ મ્યુઝિયમની મુલાકાત લઇ શકો છો. આ સ્કીમ અંતર્ગત આવનારે નોકરી કરવી જ એવું જરૂરી નથી. આ સ્કીમનો મૂળ હેતૂ બંને દેશના યુવાનો એકબીજાના દેશમા જઇને રહી શકે, અભ્યાસ અને નોકરી કરી શકે અને એકબીજાના દેશનો અભ્યાસ કરી શકે તે છે. ભારત પણ ઇચ્છે છે કે બ્રિટિશ યુવાઓ ભારત જાય, કામ કરે અને ભારત અંગે જાણકારી મેળવે.

તેમણે જણાવ્યું હતું કે આ સ્કીમનો મૂળ હેતૂ એ છે કે બંને દેશના યુવાઓ નોકરી મેળવી શકે, તકોનું સર્જન કરી શકે, બિઝનેસ કરી શકે, સ્ટાર્ટ અપ શરૂ કરી શકે, નવા સંશોધનો કરી શકે જેથી બંને દેશ વચ્ચેની ભાગીદારી પણ મજબૂત બને. આ સ્કીમમાં યુવાઓની પસંદગી બેલટ દ્વારા કરાશે.

ભારતીય વિદ્યાર્થીઓ લંડનમાં રહેવાનો આગ્રહ ન રાખે – દોરાઇસ્વામી

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સામે રહેલા મોંઘવારીના પડકારો પર દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, ભારતીય વિદ્યાર્થીઓ ફક્ત લંડનમાં રહેવાનો આગ્રહ ન રાખે. લંડનમાં મકાનભાડાનો ખર્ચ ઘણો ઊંચો છે. આખો બ્રિટન દેશ તમારા માટે ખુલ્લો છે. તમારે યુનિવર્સિટીમાં જવાની જરૂર નથી. તમે ગમે ત્યાં જઇ શકો છો. તમે તમારા રસની તકો ઝડપીને આગળ વધી શકો છો. તેવી જ રીતે બ્રિટિશરો મુંબઇ અને દિલ્હીનો આગ્રહ ન રાખે. તેઓ પણ ભારતના કોઇપણ ભાગમાં જઇ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter