પ્રવાસી ભારતીય દિવસ સંમેલન પ્રવાસી ભારતીયો સાથેના સંબંધો મજબૂત કરતી પરંપરા – એસ જયશંકર

બ્રિટિશ ભારતીયોએ એસ. જયશંકર સમક્ષ ઓસીઆઇ કાર્ડ, બેવડી નાગરિકતા સહિતના મુદ્દા ઉઠાવ્યા

Wednesday 11th January 2023 06:27 EST
 
 

લંડન

17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ખાતે બ્રિટનના ભારતીય સમુદાયના અગ્રણીઓ સાથે ચર્ચા કરતાં ભારતના વિદેશ પ્રધાન ડો. એસ જયશંકરે માઇગ્રેશન અને મોબિલિટીના પડકારોના ઉકેલ માટે ભારત સરકારનું વિઝન રજૂ કર્યું હતું.

જયશંકરે જણાવ્યું હતું કે, આજે જ્યાં સ્કીલ અને ટેલેન્ટની જરૂર છે, જરૂરી નથી કે ત્યાં રિસોર્સની ઉપલબ્ધતા છે કે નહીં. તેથી વસતીના આધારે ડિમાન્ડ અને ટેલેન્ટ વચ્ચેનો તફાવત મોટો પડકાર છે અને આ પડકાર સમયની સાથે વધુ આકરો બની શકે છે. વિકસિત સમાજોમાં જન્મદર ઘણો નીચો છે તેથી ત્યાં લોકોની અછત ઊભી થવાની જ છે. તેથી અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં માઇગ્રેશન એન્ડ મોબિલિટી એગ્રીમેન્ટ્સ કરી રહ્યાં છીએ. મેં તમારી સામે આ મુદ્દો ઉઠાવ્યો છે કારણ કે અમે આ વિઝનને સફળ બનાવવા માટે તમારી ભાગીદારી ઇચ્છીએ છીએ.

જયશંકરે જણાવ્યું હતું કે, હું તમારી સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કરી રહ્યો છું કારણ કે આપણે કાયદેસર રીતે ધ્યાન ન અપાય તેવી માર્કેટ સિચ્યુએશન ઇચ્છતા નથી. જો આ સ્થિતિને ગેરકાયદેસર ઇમિગ્રેશન દ્વારા ઉકેલવામાં આવે તો સમસ્યા બમણી થઇ જશે. તમે સાચી ટેલેન્ટ પ્રાપ્ત કરી શક્તાં નથી. તમારા માટે આ બાબત એવી નથી કે જે તમને કોઇ પ્રતિષ્ઠા અપાવે તેથી ગ્લોબલ ઇકોનોમીના ભાગરૂપે સાથે મળીને કામ કરવું આપણા સહિયારા હિતમાં છે. જ્યાં સાચી યોગ્યતા અને ટેલેન્ટ ધરાવતા હ્યુમન રિસોર્સ છે ત્યાંથી તેમને ઊચ્ચ માગ છે ત્યાં કાયદેસર રીતે મોકલી શકાય.

બ્રિટિશ ભારતીય હ્રિદેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમે ઓસીઆઇ કાર્ડ, બેવડી નાગરિકતા, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ સહિતના ઘણા મુદ્દા વિદેશ પ્રધાન સમક્ષ ઉઠાવ્યા હતા. તેમણે અમારી સાથે વ્યક્તિગત રીતે વાતો કરીને અમારા સવાલોના જવાબ આપ્યા હતા.

બ્રિટિશ ભારતીય સમુદાયના પ્રતિનિધિઓએ જયશંકર સાથે આયુર્વેદિક સારવારને એનએચએસમાં સામેલ કરવાની સંભાવનાઓ અંગે પણ ચર્ચા કરી હતી. બ્રિટિશ ભારતીયોનું માનવું છે કે આયુર્વેદિક ઉપચારના કારણે એનએચએસ પરનું ફાઇનાન્સિયલ દબાણ ઘટાડી શકાશે.

આ પહેલાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને સંબોધન કરતાં જયશંકરે જણાવ્યું હતું કે, આ સંમેલન પ્રવાસી ભારતીય સમુદાય સાથેના ભારતના સંબંધો વધુ મજબૂત બનાવતી મહત્વની પરંપરા છે. પ્રવાસી ભારતીય દિવસ સંબંધોને તાજા કરે છે. હું માનુ છું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક શક્તિ બનીને ઉભરી આવશે. પ્રવાસી ભારતીય દિવસના 3 સિદ્ધાંત છે. આપણા સંબંધોને તાજા કરે છે, નવી ઊર્જાથી સભર કરે છે અને સંબંધોમાં નવા પરિમાણ ઉમેરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter