લંડનઃ યુરોપમાં પ્રવેશ માટેના નિયમો વધુ કડક બનાવવાની યોજના હાલ પૂરતી વિલંબમાં મૂકાઈ છે, જેના પરિણામે યુરોપમાં વેકેશન ગાળવા જવાને પ્રોત્સાહન સાંપડશે. બ્રેક્ઝિટ પછીના 7 યુરોના વિઝાની યોજના નવેમ્બર 2023 સુધી અમલી બનાવાશે નહિ. આના પરિણામે, પ્રવાસન ઉદ્યોગને કામચલાઉ ઉત્તેજન મળશે. જોકે, પ્રવાસીઓ માટે ફેસિયલ અને ફિંગરપ્રિન્ટની ઓળખના નિયમો 2023ના મે મહિનાથી લાગુ કરી દેવાશે.
યુરોપીય યુનિયને યુકેથી પ્રવાસ કરતા લોકો માટે યુરોપમાં પ્રવેશ માટે નિયમો વધુ કડક બનાવવાની યોજના હાલ મુલતવી રાખી છે. નવી પ્રોસીજર યુરોપિયન ટ્રાવેલ ઈન્ફોર્મેશન એન્ડ ઓથોરાઈઝેન સિસ્ટમ (ETIAS) મે 2023થી અમલી બનાવવાની હતી પરંતુ, હવે નવેમ્બર 2023થી અમલી બનાવાશે. ETIAS પદ્ધતિ અમેરિકન સિસ્ટમ Esta જેવી જ અને વિઝામુક્ત છે જેની કિમત 5પાઉન્ડ છે અને તે બે વર્ષ માટે માન્ય ગણાશે. યુકેથી પ્રવાસ કરનારા લોકોએ યુરોપ જતા પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે અને તેના વિના કોઈને યુરોપમાં પ્રવેશ અપાશે નહિ.
જોકે, નવી અને વધુ સમય લેનારી એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમ (EES) મે 2023થી અમલમાં આવી રહી છે. બ્રેક્ઝિટ પછી બ્રિટન સહિતના તમામ બિનયુરોપીય પ્રવાસીઓએ તેમની ચાર આંગળીનું સ્કેનિંગ કરાવવું પડશે અને ફોટોગ્રાફ લેવડાવવો પડશે. એરપોર્ટ્સ પર અરાજકતા અને ફ્રાન્સ જવા માટે ઈંગ્લિશ ચેનલ પર લાંબી કતારોથી મુશ્કેલ પરિસ્થિતિમાં આવેલા ટુરિઝમ સેક્ટરને ETIAS ના વિલંબથી થોડી રાહત થઈ છે. જોકે, EESના કારણે કતારોમાં વધુ વિલંબ સહન કરવાનો આવશે કારણકે ફ્રેન્ચ કાયદા હેઠળ ફ્રેન્ચ બોર્ડર અધિકારીના સુપરવિઝન હેઠળ જ ચકાસણી કરાવવાની રહે છે.


