લંડન
સોમવારે અને શુક્રવારે પ્રવાસીઓની સંખ્યામાં મોટા ઘટાડાને કારણે રેલવે કંપનીઓમાં ચિંતા પ્રવર્તી રહી છે. તેથી હવે તેઓ સોમવાર અને શુક્રવારે પ્રવાસ કરનારા પ્રવાસીઓને ડિસ્કાઉન્ટ આપવા વિચારણા કરી રહી છે. કોરોના મહામારી બાદ વર્ક ફ્રોમ હોમ ક્લચરના કારણે રેલવે કંપનીઓની સીઝન ટિકિટ અને કુલ આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે.
બ્રિટનની સૌથી મોટી રેલવે કંપની ગોવિઆ થેમ્સલિન્ક રેલવેએ સોમવાર અને શુક્રવાર માટે તેની કેટલીક દક્ષિણની ટ્રેન સેવાઓમાં ભાડામાં ડિસ્કાઉન્ટ આપવાની શરૂઆત કરી છે. કંપની સવાર અને સાંજના પીક ટાઇમ માટે એડવાન્સ ટિકિટ આપવાનું શરૂ કરશે જેમાં પ્રવાસીઓને 15 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અપાશે. રેલકાર્ડ ધરાવતા પ્રવાસીઓ ભાડામાં મોટી બચત કરી શકશે.
કંપનીએ જણાવ્યું હતું કે, સવારના પીક ટાઇમમાં કોરોના મહામારી પહેલાંના સ્તર કરતાં પ્રવાસીઓની સંખ્યામાં 70 ટકાનો ઘટાડો થયો છે. શુક્રવારે સવારે પીકટાઇમમાં તેનાથી પણ ઓછા પ્રવાસીઓ મળે છે.


