પ્રવાસીઓને આકર્ષવા સાઉથોલ ટ્રાવેલના નિરંતર સુરક્ષાપૂર્ણ પગલાં

ચારુસ્મિતા Wednesday 08th July 2020 01:42 EDT
 
જયમીન બોરખેતરિયા - સાઉથોલ ટ્રાવેલ
 

લંડનઃ વર્તમાન કોરોના મહામારીના કારણે વિશ્વભરમાં ટ્રાવેલ કલ્ચર બદલાઈ રહ્યું છે. વિદેશમાં ઉનાળાનું વેકેશન વીતાવવાનું આયોજન કરતા લોકોમાં પ્રવાસ મુદ્દે ભારે મૂંઝવણ છે. લાખો લોકોની પ્રવાસ યોજનાઓ ખોરવાઈ હોવાથી પ્રવાસન અને પર્યટન ઈન્ડસ્ટ્રીમાં પણ ગભરાટનો માહોલ છે. લગભગ સાડા ત્રણ દાયકાથી ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા સાઉથોલ ટ્રાવેલના ચીફ કોમર્શિયલ ઓફિસર જયમીન બોરખેતરિયાએ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથે નજર સામેના પડકારો અને કાયાપલટના સમય વિશે વાતચીત કરી હતી.

ટુરિઝમ ક્ષેત્ર વૈશ્વિક કટોકટીનો સામનો કરી રહ્યું છે ત્યારે ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી માટે નવી સામાન્ય સ્થિતિ શું રહેશે તેવા પ્રશ્નના ઉત્તરમાં જયમીન બોરખેતરિયાએ જણાવ્યું હતું કે, ‘કમનસીબે નવા ધોરણો રાહ જોવાં કે બૂકિંગ્સના રિફંડ્સને સંબંધિત છે. ઈન્ડ્સ્ટ્રી આવા મોટા પાયા પર ખોરવાઈ જાય તેવું પહેલા કદી જોયું નથી અને તમામ એરલાઈન્સ મુશ્કેલીઓ, વહીવટી બેકલોગ્સ તેમજ ફરી ઉડ્ડયન સેવા શરુ કરવાના પડકારોનો સામનો કરી રહી છે.’

મોજમજા અને કોર્પોરેટ પ્રવાસીઓ હજુ ઉડ્ડયન કરી રહ્યા નથી તે વિશે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું હતું કે, ‘અમારા કેટલાક કસ્ટમર્સ ભવિષ્યનું આયોજન કરી રહ્યા છે. જેઓ અત્યારે બૂકિંગ કરાવવા ઈચ્છે છે તેમના માટે એરલાઈન્સ દ્વારા ફ્લેક્સિબલ  નીતિઓ દાખલ કરાઈ છે.’

ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો ૯૦ દેશો સામે બિનઆવશ્યક પ્રવાસનો પ્રતિબંધ ઉઠાવવાને યુકેના ટુરિઝમ અને ટ્રાવેલ ઉદ્યોગ માટે લાભકારી ગણાવે છે. આ પગલાને ‘ભારે મહત્ત્વપૂર્ણ’ માનતા જયમીન બોરખેતરિયાએ ઉમેર્યું હતું કે, ‘ટુરિસ્ટ્સ અહીં પરત ફરે અને છૂટ મળી હોય ત્યાં વિદેશનો પ્રવાસ કરે તે માટે અમે ઉત્સુક છીએ.’

યુકેના પ્રવાસીઓ માટે સૌથી મુશ્કેલ બાબત તેઓ જે દેશનો પ્રવાસ ખેડવા ઈચ્છતા હોય ત્યાંના સંજોગોનો છે, જેમાં કેટલાક દેશોએ યુકેથી આવતી ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી હોય અથવા પોતાની સરહદો સંપૂર્ણપણે બંધ કરી હોવાની બાબતનો સમાવેશ થાય છે. આ પરિસ્થિતિમાં ટ્રાવેલ કંપનીઓ કેવા પ્રકારના ટ્રાવેલ પેકેજ ઓફર કરે છે? પ્રવાસીઓ તેમને ઓફર કરાયેલા પ્લાન્સમાં વારંવાર ફેરફારની અપેક્ષા રાખી શકે? તેવા પ્રશ્નો વિશે તેઓ કહે છે, ‘આ બધુ બદલાઈ રહ્યું છે. મેં અગાઉ કહ્યું તેમ ઘણી એરલાઈન્સ ચોક્કસ સમય માટે ફ્લેક્સિબિલિટી અપનાવે છે. અમે બદલાવ અમર્યાદિત સમય સુધી શક્ય રહે તેમ માનતા નથી. આથી, કસ્ટમર્સ પ્રવાસ કરતા હોય તે ટર્મ્સ અને કંડિશન્સથી માહિતગાર રહે તેની અમે ચોકસાઈ રાખીએ છીએ.’

કસ્ટમર્સને માહિતગાર રાખવા અને પ્રવાસ આરામપ્રદ રહે તે જ તેમના માટે પ્રાધાન્ય ધરાવે છે. માર્કેટમાં અન્ય કંપનીઓથી વિપરીત, સાઉથોલ ટ્રાવેલ પોતાના ગ્રાહકોને રિફન્ડ્સ ઓફર કરવામાં સૌથી આગળ અને ઝડપી છે. દેશમાં દર વર્ષે ૧.૧ મિલિયન ક્લાયન્ટ્સને સેવા આપતું સાઉથોલ ગ્રૂપ તેના આશરે ૯૫ ટકા ગ્રાહકોને ૨૨ મિલિયન પાઉન્ડથી વધુ રિફન્ડની ઝડપી કાર્યવાહી માટે સમાચારોમાં ચમક્યું છે. આ પગલું કંપનીના ગ્રાહકો પ્રત્યેની મોટી નાણાકીય બાંયધરી તરીકે નિહાળવામાં આવે છે કે આ મુશ્કેલ સમયમાં કંપની તેમની પડખે ઉભી રહી છે.

ટ્રાવેલ કંપનીઓ ગ્રાહકોને પોતાની તરફ વાળવા - આકર્ષવા શું કરી રહી છે તેવા એક પ્રશ્નના ઉત્તરમાં જયમીન બોરખેતરિયાએ જણાવ્યું હતું કે, ‘અમારા માટે અમારા ગ્રાહકોનું વિશેષ મહત્ત્વ છે અને અમે અમારા કસ્ટમર્સને રિફંડ આપવામાં અમારી ક્ષમતામાં હોય તે બધું કર્યું છે અને અમે મોડાં નહિ પરંતુ, વહેલા રિફંડ ચૂકવી શકીએ તે માટે લાંબો સમય લઈ રહેલી એરલાઈન્સ સાથે સતત સંપર્કમાં રહીએ છીએ. લોકોએ જાણવું જોઈએ કે તેમના નાણા સલામત છે.’

ગ્રાહક સમુદાયે પણ સપોર્ટ વ્યક્ત કરવામાં ઝડપ દર્શાવી છે. ‘અમારી કદર કરતા ઘણા મેસેજીસ જોયા છે. તેમની પાસે રિફંડ મેળવવાનો અધિકાર છે આથી, અમે કોન્ટ્રાક્ટ અનુસાર સેવા પુરી પાડીએ છીએ એ તેઓ જૂએ છે. જોકે, આટલી બધી કામગીરી કર્યા પછી પણ સ્વપ્નો સેવ્યા હોય તેવી ઘણી ટ્રિપ્સ થઈ શકી નહિ તેનો અફસોસ પણ છે.’

તાજેતરમાં યુકે સરકારે ટ્રાફિક લાઈટ સિસ્ટમ અપનાવી હોવાનું જણાય છે. મતલબ કે યુકેના નાગરિકો પ્રવાસેથી પરત ફરી બે સપ્તાહના ક્વોરેન્ટાઈનમાં રહ્યા વિના જ ઓછાં જોખમી દેશોનો પ્રવાસ કરી શકે છે. જયમીન બોરખેતરિયાનું માનવું છે કે ૧૪ દિવસના ક્વોરેન્ટાઈનનો ફરજિયાત અમલ રદ કરવાનું પગલું આવકાર્ય છે. તેમણે કહ્યું કે ‘જરુર વિના વિદેશપ્રવાસ વિરુદ્ધ સરકારે ફરજિયાત ક્વોરેન્ટાઈનની સલાહ આપી હતી. હવે તેમાં સુધારો કરીને સલામત દેશોમાં મુસાફરી કરી શકાય તેની છૂટ આપવાનું આયોજન કરાયું છે.’

હોસ્પિટાલિટી સુવિધાઓ વિશે તેમણે ઉમેર્યું કે, ‘એરલાઈન અને હોટેલ દ્વારા કસ્ટમર સુરક્ષા પ્રક્રિયાઓ અપડેટ કરાઈ રહી છે. ગ્રાહકોની પ્રવાસ કરવાની ઈચ્છા તો યથાવત જ છે. ઈન્ડસ્ટ્રીનું કદ ઘટી જશે પરંતુ, સમય જશે તેમ તે વધુ મજબૂત બનતું જશે.’ સરકારે તાજેતરમાં જ ટુરિઝમ ઈકોનોમીને ઉત્તેજન આપવા ટુરિસ્ટ સ્થળોએ નાના બિઝનેસીસને નવું ૧૦.૫ બિલિયન પાઉન્ડનું ભંડોળ વહેંચવાને સમર્થન આપ્યું છે જેમાં, મહામારી પછી બિઝનેસને સાનુકૂળ ફેરફાર માટે ૫૦૦૦ પાઉન્ડ સુધીની ગ્રાન્ટનો સમાવેશ પણ થાય છે.

ઈન્ડસ્ટ્રીના નિષ્ણાત તરીકે જયમીન બોરખેતરિયાને લાગે છે કે આનાથી ટુંકા ગાળામાં થોડી મદદ મળશે. તેઓ કહે છે કે, ‘નાણાકીય અસરનું પ્રમાણ એટલું વધારે છે કે આ પ્લાસ્ટર દૂર કરાય તે પછી પણ ઈન્ડસ્ટ્રીએ ફરી વખત સંજોગોને અનુકૂળ થઈને સાજા થવું પડશે.’ ઈન્ડસ્ટ્રીને આટલા ગંભીર નુકસાનમાંથી બહાર આવવામાં કેટલો સમય લાગશે તેવા પ્રશ્નના ઉત્તરમાં જયમીન બોરખેતરિયાએ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે, ‘ઘણા વર્ષો સુધી તે સંપૂર્ણ રિકવર નહિ થઈ શકે. ઘણા મહિનાઓ સુધી અમારી આવક ઝીરો હતી પરંતુ, ઘણા ખર્ચ તો યથાવત હતા. ઘણા ખર્ચામાં કાપ મૂકાયા છે. ઘણી એરલાઈન્સે વિશાળકાય એરક્રાફ્ટને કાયમી નિવૃત્તિ આપી દીધી છે. આ વર્ષે ભારે નુકસાનના પરિણામે ભાવિ રોકાણો પણ જંગી નહિ હોય.’

ખર્ચકાપ છતાં, ઈન્ડ્રસ્ટ્રીને બંધ રહેવાના કારણે થયેલું નુકસાન પ્રવાસીઓએ વધુ ઊંચા ભાવ ચૂકવીને સરભર કરવાનું થશે? તેવા પ્રશ્નના ઉત્તરમાં જયમીન બોરખેતરિયાએ કહ્યું હતું કે, ‘પ્રત્યક્ષ રીતે તો નહિ કારણ કે ભાવ તો માગ અને પુરવઠાના ધોરણે રહે છે. સપ્લાય ચેઈનમાં કર્મચારીઓ અને શેરહોલ્ડર્સને સહન કરવાનું આવશે.’ જોકે, વર્તમાન સંજોગોમાં ટ્રાવેલ ઈન્સ્યુરન્સ ફરજિયાત બને તેમ માનતા ન હોવાં છતાં, તેઓ એક બાબત ચોક્કસ છે કે મહામારીઓને આવરી લેતા ઈન્સ્યુરન્સ પ્રવાસીઓ માટે ઉચ્ચ પ્રાથમિકતા ધરાવનારા બની જશે. સંબંધિત પગલાંઓના અમલ સાથે બ્રિટનની ટુરિઝમ ઈન્ડસ્ટ્રી ફરી હરણફાળ ભરશે અને મહામારી અગાઉની માફક ઘણું ઓફર કરશે તેવી તેવી આશા તેઓ વ્યક્ત કરે છે.

ઘણી જ ઈચ્છા હોવાં છતાં રજાઓ ગાળવા જવા વિશે અવઢવમાં રહેલી યુકેની એશિયન કોમ્યુનિટીના સભ્યોને તમારો શું સંદેશો છે તેમ પૂછાતા જયમીનભાઈએ કહ્યું હતું કે, ‘કોઈ પણ સ્થળે તમામ જોખમો દૂર થયા ન હોવાં છતાં, એરલાઈન્સ અને હોટેલ્સ દ્વારા જોખમો શક્ય તેટલા પ્રમાણમાં ઓછાં રહે તેવી પ્રક્રિયાઓ અનુસરાય છે. અમે શ્રેષ્ઠ વિકલ્પો જાણવા અમારા કન્સલ્ટન્ટ્સની સલાહ લેવા કહીશું. એવા કેટલાક જોખમરહિત અદ્ભૂત સ્થળો પણ છે જ્યાં હાલ ઘણા ઓછા ટુરિસ્ટ્સ છે. તેઓ તમને આવકારવા તૈયાર છે. થોડા ઘણા તફાવત જોવા મળશે, બૂફે ડિનરના બદલે લા કાર્ટે ડાઈનિંગ મળશે પરંતુ, તમારી રજાઓ વિશ્વને ફરી વાર માણવાનો અદ્ભૂત અનુભવ બની રહેશે.’

તેમના કહેવા અનુસાર આગામી મહિનાઓમાં કેટલાક સ્થળો અથવા રજાઓ ગાળવા માટે ભારે લોકપ્રિય બની શકે તેમાં માલદિવ્ઝમાં અંગત વિલાઝ, ભવિષ્યમાં પ્રવાસ કરી શકાય તેવા પર્સનલ સ્પેસ સાથેના દુબઈ રિસોર્ટ્સનો સમાવેશ થશે. કોવિડ-૧૯થી મુક્ત હોવા ઉપરાંત, યુકે સરકારની છૂટછાટની યાદીમાં રહેલાં સેશેલ્સ અને મોરેશિયસ પણ આકર્ષક સ્થળો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter