પ્રવાસીના કોરોના નેગેટિવ રિપોર્ટ હોય તો જ બ્રિટનમાં પ્રવેશ મળશે

Tuesday 12th January 2021 14:06 EST
 
 

લંડનઃ બ્રિટન સરકારે ૭ ડિસેમ્બર ગુરુવારે સ્પષ્ટપણે કરેલા આદેશમાં જણાવ્યું છે કે બ્રિટિશ નાગરિકો સહિત વિમાન, ટ્રેન અથવા બોટ દ્વારા દેશમાં આવનારા મુસાફરો તેમના ૭૨ કલાક પહેલાનો કોરોના નેગેટિવ રિપોર્ટ રજૂ કરશે તો જ પ્રવેશ અપાશે. જો કોઈ વ્યક્તિ આગમન સમયે પોઝિટિવ જણાશે, તો તેને ૧૦ દિવસ માટે ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. આ નવો નિયમ સોમવાર, ૧૧ જાન્યુઆરીથી લાગુ કરાયો છે. નિયમનો અમલ નહિ કરનારા પ્રવાસીને તત્કાળ ૫૦૦ પાઉન્ડનો દંડ કરાશે.

આ નિયમથી વિદેશમાં રહેલા કે પ્રવાસધામોમાં ગયેલા અને સ્વદેશ પાછા ફરવા તત્પર આશરે ૧૦૦,૦૦૦ બ્રિટિશ નાગરિકો ભારે તકલીફમાં મુકાશે. તેમણે કોવિડ ટેસ્ટની સુવિધા માટે દોડાદોડ કરવી પડશે અથવા જે તે દેશમાં ફસાયેલા રહેવું પડશે કારણકે ઘણા દેશોમાં ટેસ્ટિંગની સુવિધા હોતી નથી. હીથ્રો એરપોર્ટના ચીફ એક્ઝિક્યુટિવ જ્હોન હોલાન્ડ-કાયેએ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે ટ્રાવેલ અને ટેસ્ટિંગ નિયમો મુદ્દે દેશો વચ્ચેના તફાવતો પ્રવાસીઓ માટે મૂંઝવણકારક બને છે.

ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે જણાવ્યું હતું કે કોરોના વાઈરસનો વધુ ચેપી સ્ટ્રેન જોવા મળતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હોવાથી પ્રથમ લોકડાઉનના ૧૦ મહિના પછી આ નીતિ દાખલ કરાઈ છે. હવે અન્ય દેશોમાંથી આવતા દરેક નાગરિકને કોવિડ-૧૯ ટેસ્ટ કરાવવો જ પડશે જેમાં, બ્રિટિશ નાગરિકો પણ સામેલ છે. પ્રવાસી કયા દેશમાંથી આવે છે તેનું ધ્યાન રાખવા ઉપરાંત, ફક્ત ૭૨ કલાક પહેલા જ જાહેર કરવામાં આવેલા રિપોર્ટ જ માન્ય રહશે. યુકેની સરહદો વહેલા બંધ કરવી જોઈતી હતી તેવી ટીકા સંબંધે ગ્રાન્ટે જણાવ્યું હતું કે આપણું ટાપુ જેવું સ્થાન હોવાથી આપણે માલસામાન અને લોકોની હેરફેર પર આધાર રાખવો પડે છે. લેબરના શેડો હોમ સેક્રેટરી નિક થોમસ – સાયમન્ડ્સે ટ્વીટ કર્યું હતું કે યુકેમાં પ્રવેશ પહેલા કોવિડ ટેસ્ટ ફરજિયાત કરવાનો સરકારનો નિર્ણય ભારે વિલંબ પછી આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter