પ્રસિધ્ધી ભૂખ્યા તત્વોનું બીજું નામ તકવાદી

Saturday 06th December 2014 11:58 EST
 

પ્રસિધ્ધી ભૂખ્યા તત્વોનું બીજું નામ તકવાદી

આપણાં 'ગુજરાત સમાચાર'ના તા. ૨૯મી નવેમ્બર, ૨૦૧૪ના અંકમાં પાના નં. ૨૬ ઉપર ખુબ જ લોકપ્રિય કોલમ 'ચર્ચાના ચોતરે'માં ભાઈ શ્રી કમલ રાવનો લેખ વાંચીને જણાવવાનું કે 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' હંમેશા લોકઉપયોગી પ્રશ્નો માટે અંત સુધી સફળતાપૂર્વક આંદોલન ચલાવીને જ જંપે છે. તેવી રીતે જ લંડન - અમદાવાદની સીધી વિમાની સેવા માટે ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. બન્ને અખબારોમાં પાના ભરીને લોકોને સમાચારો તેમજ પીટીશનના ફોર્મ રજૂ કરાયા હતા અને પીટીશનમાં સહીઅો કરાવી લોકોને આંદોલનમાં સામેલ કર્યા હતા. જેને વ્યાપક આવકાર મળ્યો હતો અને વ્યક્તિગત, સંસ્થાઅો તેમજ સર્વે જ્ઞાતિઅોના તમામ લોકોએ આજ દિન સુધી હજારોની સંખ્યામાં સહીઅો કરીને આ આંદોલનને સંપૂર્ણ ટેકો આપ્યો છે. તેથી પણ આગળ ગુજરાત રાજ્યના તમામ પક્ષો અને ગુજરાતના અમુક અખબારોએ પણ ટેકો આપ્યો છે અને જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ના હોદ્દા ઉપર રહેલા આપણાં આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ પણ આ આંદોલનને સમર્થન આપેલ અને ત્યારે તેમણે કહેલ કે 'જો હું આ પ્રશ્ન અંગે કેન્દ્ર સરકારને જણાવીશ તો તેઅો આ પ્રશ્નનો નિકાલ કરશે નહિ, કારણ કે કોંગ્રેસની દિલ્હી ખાતેની સરકાર ગુજરાત વિરોધી છે !! આ તકે જણાવવાનું કે મોદીજીએ આ આંદોલનને જલ્દી સફળતા મળે તેવી રજૂઆત તે વખતના વડા પ્રધાન શ્રી મનમોહનસિંહજીને રૂબરૂ મળીને જણાવી જ હતી.

આજે જયારે મોદીજી અનેક દેશોમાં જઇને ભારતના લોકોને ભારતમાં આવવા જરૂરી સુવિધા માટે અનેક પ્રવૃત્તિ કરી રહ્યા છે તેજ સમયે તકનો લાભ લઇને કેટલાક લોકો મોદીજીને મળવા જવાનું આયોજન કરી રહ્યા છે તે માત્રને માત્ર પ્રસિધ્ધી માટે જ !!! આ જાન્યુઆરી મહિનામાં ગુજરાત ખાતે પ્રવાસી દિવસનું આયોજન થઇ રહ્યું છે ત્યારે અમદાવાદ - લંડનની સીધી વિમાની સેવાની જાહેરાત થાય તે શક્યતાના આધારે અમુક લોકો પ્રસિધ્ધી પામવા કુદી પડ્યા છે તે ખુબ જ દુ:ખની બાબત છે. એબીપીએલના અખબારોએ તાજેતરમાં જ આ આંદોલનને સફળતા મળે તેના માટે ગુજરાત રાજ્યના બધા જ રાજકીય પક્ષોની સમિતિ બનાવી છે અને તેના પ્રમુખ રાજ્ય સભાના સદસ્ય અને હવે કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા છે તેમ જ આ સમિતિના કો ઓર્ડીનેટર ભૂપતભાઈ પારેખ જી ખુબ જ જહેમતથી કામ કરી રહ્યા છે. તાજેતરમાં એક પ્રસંગે ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુશ્રી આનંદીબેન પટેલે પણ શ્રી પારેખજીને સંદેશો આપ્યો કે 'સી બી પટેલ ને કહેજો કે મેં પણ આપના આંદોલનની વાતનો પત્ર આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને પાઠવ્યો છે'

ભરત સચાણીયા અને પરિવાર, લંડન

૦૦૦૦૦૦૦૦

પ્રિય વાચક મિત્રો,

અમદાવાદ અને લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ વિષે કેટલાક વાચક મિત્રોના પત્રો મળ્યા છે અને ફોન દ્વારા કે રૂબરૂ મળે ત્યારે પણ સૌ વાચકો દ્વારા આ અંગે સજ્જડ સમર્થન અને ટેકો મળતા જ રહે છે. અત્યારે સ્થળ સંકોચના કારણે અન્ય પત્રોનો સમાવેશ શક્ય બનતો નથી. પરંતુ મિત્રો, આપ સૌ જાણો છો કે આપણે આદરેલી લડતનું ફળ આપણને સૌને મળવાનું જ છે. આપણી લડતે કેવો રંગ રાખ્યો છે તે નજીકના દિવસોમાં જ જોવા મળે તો નવાઇ પામતા નહિં. એટલે જ તો તક જોઇને તડજોડ કરનારા તત્વો જશ ખાટવા માટે કુદી પડ્યા છે.

આપ પણ આપના અમૂલ્ય મંતવ્યો જણાવી જનમતને જાગૃત કરી શકો છો. તો ઉઠાવો.. કલમ અને અમને અપનો અભિપ્રાય ૨૨૫ શબ્દોની મર્યાદામાં લખી જણાવો. 'ગુજરાત સમાચાર' પાસે જાગૃત અને સિધ્ધાંતપરસ્ત વાચકો છે તેનું અમને ગૌરવ અને અભિમાન છે અને મત વ્યક્ત કરનાર સૌને અમે વંદન કરીએ છીએ.

આપના મંતવ્યો ન્યુઝ એડિટર શ્રી કમલ રાવને Gujarat Samachar, Karmayoga House, 12 Hoxton Market, London N1 6HW પોસ્ટ દ્વારા, ફેક્સ નં. 020 7749 4081 દ્વારા કે પછી [email protected] પર ઇ-મેઇલ દ્વારા મોકલો.

  • કમલ રાવ

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter