લંડનઃ યુકે સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરારના સફળ અમલ માટે ભારતે ગૂડ્સ અને સર્વિસ માટે તેના બજારો વધુ ખુલ્લા મૂકવા તૈયાર રહેવું જોઇએ. નામ નહીં આપવાની શરતે યુકેના એક અધિકારીએ જણાવ્યું હતું કે, માલસામાન પર ભારતની જકાતો ઘણી વધારે છે. યુકે માને છે કે બજારો ખુલ્લા મૂકવા અને જકાતો ઘટાડવા માટે ભારતે ઘણા પ્રયાસ કરવાની જરૂર છે. યુકેનું બજાર તો ખુલ્લું જ છે. આ અધિકારીએ જણાવ્યું હતું કે, જો ભારત તેના બજારો વધુ ખુલ્લા મૂકે તો બંને દેશ વચ્ચેનો મુક્ત વેપાર કરાર 3 સપ્તાહમાં જ તૈયાર થઇ શરે છે. બંને પક્ષ આર્થિક અને રાજકીય મહત્વાકાંક્ષા ધરાવે છે.
જોકે ભારતનું માનવું છે કે યુકેમાં માલસામાન પરની જકાત ઓછી છે કારણ કે તેની ઓછી જકાતની આયાતોમાંથી લાભ થાય છે. તેથી યુકેએ ટેક્સટાઇલ્સ સહિતની ચોક્કસ વસ્તુઓ પર જકાત ઘટાડીને મુક્ત વેપાર કરારમાં ભારતને વધારાના લાભ આપવા તૈયાર રહેવું જોઇએ.
ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરાર આડે અવરોધરૂપ મુદ્દાઓના ઉકેલ માટે બંને દેશ ભરપૂર પ્રયાસ કરી રહ્યાં છે. તાજેતરમાં જ ભારતમાં વડાપ્રધાન કચેરી દ્વારા કરાર પર થયેલી પ્રગતિ અંગે સમીક્ષા કરાઇ હતી જેમાં વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલ હાજર રહ્યાં હતાં.
એસ. જયશંકર અને ડેવિડ કેમેરુન વચ્ચે દ્વિપક્ષીય સહકાર પર ચર્ચા
જર્મનીના મ્યુનિક ખાતે આયોજિત મ્યુનિક સિક્યુરિટી કોન્ફરન્સની સાથે સાથે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના બ્રિટિશ સમકક્ષ ડેવિડ કેમેરુન વચ્ચે દ્વિપક્ષીય સહકાર મુદ્દે ચર્ચા યોજાઇ હતી. જયશંકરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, અમારી વચ્ચે દ્વિપક્ષીય સહકાર ઉપરાંત વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. અમે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ક્રિકેટ મેચ પર મંતવ્યોની આપ લે કરી હતી.


