લંડનઃ એડલ્ટ સોશિયલ કેર કમિશનના વડા બેરોનેસ કેસીએ દાવો કર્યો છે કે કેર હોમ્સ ચલાવતી ખાનગી કંપનીઓ વિકલાંગ લોકો અને કરદાતાઓના ભોગે બેફામ નફો રળી રહી છે. આ મુદ્દે તેમણે ચીમકી આપતા જણાવ્યું હતું કે ક્ષેત્રના ખાનગીકરણ દ્વારા લોકો મોટા પ્રમાણમાં નાણાં બનાવી રહ્યા છે અને બ્રિટિશ કેર હોમ્સની માલિકી વિદેશી કંપનીઓને સોંપવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
વડાપ્રધાન દ્વારા એક નવી નેશનલ કેર સર્વિસ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે જે માટે કેસી દ્વારા રજૂ કરવામાં આવનાર આખરી ભલામણોને મુખ્ય આધાર બનાવવામાં આવશે. બેરોનેસ કેસીએ જણાવ્યું હતું કે, ઉચ્ચ સ્તરની જરૂરિયાતો ધરાવતા લોકો અને ટેક્સપેયર્સના નામે નફાખોરી કરવી તદ્દન અયોગ્ય છે. 1980ના દાયકામાં યોગ્ય સંચાલન વિના જ આ ક્ષેત્રનું ખાનગીકરણ કરી દેવું એ કદાચ એક મોટી ભૂલ હતી. તેમણે ઉમેર્યું હતું કે, દેશના કરદાતાઓના નાણાં દેશમાં જ રહેવા જોઈએ અને કોઈ પણ વિદેશી સંસ્થાઓ કે પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સને બ્રિટિશ કેર સર્વિસમાંથી કમાણી કરવાની છૂટ ન મળવી જોઈએ.


