લંડન
બ્રિટનની હોસ્પિટલોમાં નિયુક્ત કરાયેલા વિશ્વના સૌથી ગરીબ દેશોના ડોક્ટરોનો આરોપ છે કે તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. કામના વધુ પડતા બોજના કારણે દર્દીઓના આરોગ્ય પર જોખમ સર્જાઇ રહ્યું છે. બીબીસી દ્વારા હાથ ધરાયેલી તપાસમાં જણાવવામાં આવ્યું છે કે બ્રિટનની હેલ્થકેર કંપની દ્વારા નાઇજિરિયાના ડોક્ટરોને પ્રાઇવેટ હોસ્પિટલોમાં નિયુક્ત કરવામાં આવી રહ્યાં છે જ્યાં તેઓ એનએચએસમાં પરવાનગી નથી તેવી સ્થિતિમાં કામ કરી રહ્યાં છે. બ્રિટિશ મેડિકલ એસોસિએશને આ સ્થિતિને આઘાતજનક ગણાવતાં જણાવ્યું છે કે પ્રાઇવેટ હેલ્થ સેક્ટરને એનએચએસની વર્કિંગ પ્રેકટિસના દાયરામાં લાવવાની જરૂર છે.
નાઇજિરિયાના એક યુવા ડોક્ટર ઓગસ્ટિન એનેકવેચી કહે છે કે અમારે 24 કલાક કામ માટે તૈયાર રહેવું પડે છે. અમે હોસ્પિટલ છોડીને ક્યાંય જઇ શક્તાં નથી. એમ લાગી રહ્યું છે કે અમે જેલમાં કામ કરી રહ્યાં છીએ. અમે એટલાં થાકી જઇએ છીએ કે સારી રીતે કામ કરી શક્તાં નથી. તેના કારણે દર્દીઓના આરોગ્ય પર પણ જોખમ સર્જાય છે. કોઇ ભૂલ થાય તો અમારા પર કાનૂની દાવાનું જોખમ પણ સતત તોળાયેલું રહે છે. સતત તણાવમાં કામ કરવાને લીધે ભૂલની સંભાવના વધી જાય છે.
જો કે ન્યુફિલ્ડ હેલ્થ કંપની કહે છે ક ડોક્ટરોને નિયમિત રીતે બ્રેક આપવામાં આવે છે. તેઓ જરૂર પડે એકબીજા સાથે શિફ્ટની અદલાબદલી પણ કરી શકે છે. દર્દીઓ અને અમારા ટીમ મેમ્બર્સનું આરોગ્ય અમારી ટોચની પ્રાથમિકતા છે.

