લંડનઃ તાજેતરના લોકડાઉન દરમિયાન ઈંગ્લેન્ડમાં પ્રાઈમરી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે વધારો નોંધાયો હતો. આ પરિસ્થિતિથી કોવિડ-૧૯નું સંક્રમણ વધવાનું અને સ્કૂલો બંધ રાખવાનો સમયગાળો લંબાવવાનું જોખમ ઉભું થયું છે. Teacher Tapp એપના સર્વેમાં જણાયું કે ઈંગ્લેન્ડમાં છમાંથી એક પ્રાઈમરી સ્કૂલમાં છેલ્લાં અઠવાડિયામાં વિદ્યાર્થીઓની હાજરીમાં ૩૦ ટકા અથવા તેથી વધુનો વધારો નોંધાયો હતો. જે માર્ચ ૨૦૨૦ના લોકડાઉનના પ્રથમ સપ્તાહ કરતાં ખૂબ વધારે છે.
સ્કૂલ લીડર્સ અને ક્લાસરૂમ ટીચરોના સર્વે મુજબ માર્ચ ૨૦૨૦માં પહેલા દેશવ્યાપી લોકડાઉન દરમિયાન હાજર રહેલા વિદ્યાર્થીઓની સરખામણીમાં હાલ સ્કૂલમાં હાજરી આપતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. દેશની ૨,૫૦૦થી વધુ પ્રાઈમરી સ્કૂલોના ક્લાસીસમાં ત્રીજા ભાગના અથવા તેથી વધુ વિદ્યાર્થીઓ હોવાનું જણાયું હતું. આ સ્કૂલો પૈકી ૩૦૦થી વધુ સ્કૂલો દ્વારા જણાવાયું કે તેમના તમામ વિદ્યાર્થીઓ પૈકી અડધાથી વધુ વિદ્યાર્થીઓ સ્કૂલમાં હાજર રહ્યા હતા. આ આંકડા, બાળકોને સ્કૂલે મોકલતા પેરન્ટ્સની સંખ્યામાં વધારો થયો હોવાનો પહેલો પૂરાવો છે. હેડટીચરો તેમની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અને પેરન્ટ્સ ભારે ધસારો કરતા હોવાની ફરિયાદ કરે છે.
નેશનલ એજ્યુકેશન યુનિયનના જોઈન્ટ જનરલ સેક્રેટરી મેરી બુસ્ટેડે જણાવ્યું કે સરકાર લોકડાઉન દરમિયાન વધુ બાળકો સ્કૂલે જાય તે બાબતે ગંભીર હોય તો સંક્રમણનું જોખમ શક્ય તેટલું ઘટાડવા બબલ્સ અને ગ્રૂપની સાઈઝમાં ઘટાડો કરવો જોઈએ.
યુનિવર્સિટી ઓફ બ્રાઈટનના પ્રોફેસર ઓફ એજ્યુકેશન અને Teacher Tappના મુખ્ય વિશ્લેષક રેબેકા એલને જણાવ્યું કે પ્રાઈમરી સ્કૂલોમાં દરરોજ ખૂબ વધુ સંખ્યામાં બાળકોની હાજરીથી સંક્રમણના દરને ઘટાડવામાં મુશ્કેલી ઉભી થશે. તેનો અર્થ એ કે સ્કૂલોને વધુ સમય માટે બંધ રાખવાની જરૂર પડશે અને અન્ય વિદ્યાર્થીઓેને ભણવા માટે સ્કૂલે જવામાં વિલંબ થશે.


