લંડનઃ પિતા થોમસ મર્કેલને લખાયેલો પત્ર પ્રસિદ્ધ કરીને એસોસિયેટેડ ન્યૂઝપેપર્સ દ્વારા પ્રાઈવસીનો ભંગ કરાયો હોવાના દાવાના પ્રથમ રાઉન્ડમાં ૩૮ વર્ષીય ડચેસ ઓફ સસેક્સનો પરાજય થયો છે. મિ. જસ્ટિસ વાર્બીએ ટ્રાયલ અગાઉ પ્રકાશક અખબારી જૂથની તરફેણમાં કેસના કેટલાક નોંધપાત્ર હિસ્સાને રદ કર્યો હતો. જો કેસ આગળ ચાલશે તો ડચેસને હાઈ કોર્ટમાં જુબાની આપવાની થશે અને તેમના પિતા થોમસ મર્કેલ પુત્રી વિરુદ્ધ જુબાની આપી શકે છે.
અગ્રણી વકીલોએ ટ્રાયલની શરૂઆતમાં જ હાઈ કોર્ટ દ્વારા મીડિયાના તેમના વિરુદ્ધ દ્વેષપૂર્ણ એજન્ડાના દાવા સહિત કેસનો મોટો હિસ્સો કઢાવાની ઘટનાને નોંધપાત્ર ગણાવી છે. કોર્ટે આ રજૂઆતોને અપ્રસ્તુત, અપૂરતી અને અસ્પષ્ટ ગણાવી હતી. જસ્ટિસ વાર્બીએ પત્રકારોએ અપ્રામાણિક વર્તન આચર્યું છે અને તેના અને તેના પિતા થોમસ વચ્ચે ખાઈ સર્જી હોવાના આક્ષેપને પણ જસ્ટિસે ફગાવી દીધો હતો.
ડચેસ ઓફ સસેક્સ એસોસિયેટેડ ન્યૂઝપેપર્સ સામે દાવો માંડી રહ્યાં છે. મેગનના પિતા થોમસ હાર્ટએટેકના કારણે તેના પ્રિન્સ હેરી સાથેના લગ્ન હાજર રહી ન શક્યા તે પછી ઓગસ્ટ ૨૦૧૮માં મેગને હાથથી લખેલાં કહેવાતા પત્રનો થોડો હિસ્સો મેઈલ ઓનલાઈન અખબારમાં પ્રકાશિત થયો હતો. ડચેસે દાવો કર્યો હતો કે આ પત્રમાં જાહેર હિત ન હતું અને અખબારે અપ્રામાણિકતાથી તેમજ તેમનાં અંગત જીવન વિશે વાચકોની ઉત્સુકતાને સંતોષવાના હેતુસર જ આ પત્ર પ્રસિદ્ધ કર્યો હતો.
જોકે, પ્રાઈવસી કેસમાં કાનૂની યુદ્ધની આ પ્રથમ સુનાવણી જ હતી અને તે લાંબો સમય ચાલે તેવી સંભાવના છે. આગામી વર્ષના અંત સુધીમાં કોર્ટ સમક્ષ નોંધપાત્ર સુનાવણી થાય તેમ જણાય છે. કોરોના કટોકટી દરમિયાન હાઈ કોર્ટે ઓનલાઈન સુનાવણી વ્યવસ્થા ઉભી ન કરવી પડે તેને ધ્યાનમાં લઈ એસોસિયેટેડ ન્યૂઝપેપર્સ દ્વારા કોર્ટ બહાર પતાવટની ઓફર કરાઈ હતી જેને સસેક્સ દંપતીએ ફગાવી હતી.