પ્રાઈવેટ ટ્યુશન લેતા વિદ્યાર્થીની સંખ્યામાં ૩૩ ટકા જેટલો વધારો

Tuesday 27th September 2016 11:09 EDT
 
 

લંડનઃ પ્રાઈવેટ ટ્યુશન ઈન્ડસ્ટ્રીમાં તેજીએ શૈક્ષણિક અસમતુલાની ચિંતા જન્માવી છે. શાળામાં ફી ભર્યા પછી પણ શાળાકીય કાર્ય તથા ગ્રામર સ્કૂલ એન્ટ્રન્સ એક્ઝામમાં મદદ માટે ટ્યુટરને નાણા ચુકવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૩૩ ટકા જેટલો વધારો થયો છે. લંડનમાં જ ૪૦ ટકાથી વધુ વિદ્યાર્થીએ કોઈ પણ સમયે પ્રાઈવેટ ટ્યુટરની મદદ મેળવી હતી. ખાનગી ટ્યુટર માટે પ્રતિ કલાક ૨૭ પાઉન્ડ ચુકવવા પડે છે, જે સામાન્ય પરિવારની પહોંચની બહાર છે.

શિક્ષણ દ્વારા સામાજિક ગતિશીલતા વધારવા કાર્યરત ચેરિટી ધ સટન ટ્રસ્ટના નવા અભ્યાસ મુજબ ખાનગી ટ્યુશન વાર્ષિક બે બિલિયન પાઉન્ડ મૂલ્યનો ધમધમતો ઉદ્યોગ બની ગયો છે. ઘણી સરકારી શાળાઓના શિક્ષકો પણ ખાનગી ટ્યુશન આપી પોતાની આવક વધારે છે અને ૧,૬૦૦થી વધુ શિક્ષકોના સર્વેમાં જણાયું હતું કે સરકારી શાળાના ૧૦માંથી ચાર શિક્ષકે શાળાની બહાર ખાનગી ટ્યુશન આપી વધારાની આવક મેળવી હતી. નોર્થ-ઈસ્ટ ઈંગ્લેન્ડમાં સૌથી વધુ (૪૯ ટકા) અને નોર્થ-વેસ્ટ ઈંગ્લેન્ડમાં સૌથી ઓછાં (૩૪ ટકા) શિક્ષક ખાનગી ટ્યુશન સાથે જોડાયેલા હતા.

ખાનગી ટ્યુટર ધરાવતા વિદ્યાર્થીનું પ્રમાણ ૨૦૦૫માં ૧૮ ટકા હતું તે ૨૦૧૬માં વધીને ૨૫ ટકા અને રાજધાની લંડનમાં ૪૨ ટકા થયું છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા ૧૧-૧૬ વયજૂથના ૧૦માંથી એક વિદ્યાર્થીએ ખાનગી ટ્યુશન મેળવ્યું હતું. અભ્યાસ મુજબ ૩૮ ટકાએ ચોક્કસ GCSE પરીક્ષા પસાર કરવામાં મદદ મેળવવા અને ૧૮ ટકાએ ગ્રામર સ્કૂલ એન્ટ્રન્સ એક્ઝામમાં પાસ થવા કોચિંગ મેળવ્યું હતું. સૌથી વધુ ટ્યુશન મેથ્સના વિષયમાં અને તે પછી ઈંગ્લિશ, સાયન્સીસ, સ્પેનિશ અને ફ્રેન્ચ ભાષાઓ માટે મેળવાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter