પ્રાણીપ્રેમીને પડોશીઓના વિરોધ વચ્ચે બે સિંહ રાખવા પરવાનગી

Wednesday 03rd July 2019 02:30 EDT
 
 

લંડનઃ નોટિંગહામશાયરના શાંતિપ્રિય સ્ટ્રેલી ગામમાં હવે પક્ષીઓના કલરવ અને મધમાખીઓના ગણગણાટના સ્થાને બે બાળસિંહની ગર્જના સંભળાશે. સ્ટ્રેલીની કાઉન્સિલે પડોશીઓના ભારે વિરોધ વચ્ચે ૨૮ વર્ષીય પ્રાણીપ્રેમી રીસ ઓલિવરને ઘર પાછળના ૪૦૦ મીટરના વાડામાં બે વર્ષ અને સાત મહિનાના સિંહબાળ રોકી અને રોરાને રાખવાની પરવાનગી આપી હતી.

પરવાનગી બાદ ઓલીવરે જણાવ્યું હતું,‘ મને ખૂબ આનંદ થયો છે. મને આ પ્રાણીઓ માટે પ્રેમ છે, તે મારા બાળકો જેવા છે.’ ઓલીવરે તેના ઘરની પાછળના વાડામાં આ આફ્રિકન સિંહો માટે ખાસ ગુફા પણ બનાવી છે અને તેમાં જ તેમને રાખ્યા છે. પડોશીઓએ જણાવ્યું હતું કે આ પ્રાણીઓ જાહેર જનતા માટે ખતરારૂપ બની શકે.

ઓલીવર ગયા ફ્રેબ્રુઆરીમાં ઝેક રિપબ્લિક સર્કસમાંથી બ સિંહબાળ લાવ્યો હતો અને ખાસ તેમના માટે બનાવેલી ફેન્સિંગવાળી જગ્યામાં રાખ્યા હતા. જોકે, તેમનું આ નવું ઘર યોગ્ય પરવાનગી લીધા વિના બનાવાયું હોવાનો ખ્યાલ આવતા પાછલી અસરથી પરવાનગી માટે અરજી કરવી પડી હતી.

પ્રાણીઓને સાચવવાનો અનુભવ ધરાવતા ઓલીવર પાસે મોટા પ્રાણી પાળવાનું લાઈસન્સ છે અને તેની પાસે અઢી વર્ષનો કેનેડિયન દીપડો રોગ છે. પરંતુ, ૧૪ પડોશીએ ગ્રીન બેલ્ટ જમીનની જાળવણીનું મહત્ત્વ દર્શાવી સામાન્ય લોકોની સલામતી માટે દહેશત વ્યક્ત કરીને વિરોધ નોંધાવ્યો હતો.

પ્લાનિંગ ઓફિસરોએ પણ અરજી નકારી કાઢવાની સલાહ આપી. પરંતુ, કાઉન્સિલરોએ આ બાળસિંહો રાખવાની મર્યાદિત અસર થવાની અને તેમના માટે વૈકલ્પિક નિવાસનો અભાવ હોવાનું જણાવીને અરજી મંજૂર રાખી હતી. કાઉન્સિલની પ્લાનિંગ કમિટીના ચેરમેન ડેવિડ વોટ્સે જણાવ્યું હતું કે તેઓ ૧૬ વર્ષથી આ કમિટીમાં મોટાભાગે ચેરમેન રહ્યા છે. આ અત્યાર સુધીની તદ્દન અલગ પ્રકારની અરજી છે. દેશભરમાં ક્યારેય આવી કોઈ અરજી આવી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter