લંડન
બ્રિટનની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસક્રમમાં મોટા બદલાવ કરવામાં આવી રહ્યાં છે જે અંતર્ગત વિદ્યાર્થીઓને આરોગ્ય અને વિદેશી ભાષાઓ શીખવવા પર વધુ ભાર મૂકવામાં આવશે. 2023માં એજ્યુકેશન મિનિસ્ટર નોર્મા ફોલી દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટેના નવા અભ્યાસમાળખાની જાહેરાત કરાશે. અભ્યાસક્રમ પરની સલાહકાર સમિતિએ ધાર્મિક શિક્ષણ પર ખર્ચાતો પ્રતિ સપ્તાહ અઢી કલાકનો સમય ઘટાડીને બે કલાક કરવાની ભલામણ કરી છે. તે ઉપરાંત નવા અભ્યાસક્રમમાં નૈતિકતાની સાથે અન્ય ધર્મોનું શિક્ષણ પણ અપાશે જેથી વિદ્યાર્થીઓ અન્ય ધર્મો અંગેની જાણકારી પણ હાંસલ કરી શકે. આ પહેલાં 2016માં નેશનલ કાઉન્સિલ ફોર ક્યુરિક્યુલમ એન્ડ એસેસમેન્ટ દ્વારા ધર્મ પરના શિક્ષણમાં બદલાવની ભલામણ કરી હતી પરંતુ તેનો કેથોલિક ચર્ચ દ્વારા વિરોધ કરાયો હતો.
સલાહકાર સમિતિ દ્વારા સપ્તાહમાં એક કલાક વિદેશી ભાષાઓના શિક્ષણની પણ ભલામણ કરાઇ છે. તે ઉપરાંત સપ્તાહમાં બે કલાક મ્યુઝિક, ડ્રામા, ડાન્સ, ફિલ્મ અને ડિજિટલ મીડિયાના શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. શાળાઓમાં ધાર્મિક શિક્ષણ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, ધર્મ આધારિત શાળાઓ ધાર્મિક શિક્ષણ આપવા પર ભાર મૂકી રહી છે જ્યારે અન્ય શાળાઓ અભ્યાસક્રમમાંથી ધાર્મિક શિક્ષણ હટાવી દેવાની તરફેણ કરે છે.


