લંડનઃ પ્રિઝન સર્વિસમાં ઉભરતા સિતારા તરીકે ગણાયેલી 42 વર્ષીય પ્રિઝન ગવર્નર કેરી પેગે ડ્રગ ડીલર કેદી એન્થોની સોન્ડરસન સાથે સુંવાળા સંબંધો રાખી તેને લાયસન્સ દ્વારા જેલમાંથી વહેલો છોડાવ્યો હતો. આ પછી તે કેદીએ તેને 12,000 પાઉન્ડની કિંમતની મર્સિડીઝ કાર પણ આપી હતી. નવેમ્બર 2020માં ધરપકડ કરાયેલી કેરી પેગે જાહેર સેવામાં ગેરવર્તનના આરોપો નકાર્યાં હતાં.
પ્રેસ્ટન ક્રાઉન કોર્ટમાં સુનાવણીમાં બહાર આવ્યું હતું કે કેરી પેગ 2012માં ગ્રેજ્યુએટ તરીકે સેવામાં દાખલ થયા પછી માત્ર છ વર્ષમાં કિર્કહામ પ્રિઝનના ગવર્નરના હોદ્દા પર પહોંચી હતી. જોકે, તેણે કાયદા અનુસાર કામગીરી બજાવી ન હતી અને લેન્કેશાયર પ્રિઝનમાં હતી ત્યારે ડ્રગ ડીલર કેદી એન્થોની સાથે તેનો સંબંધ બંધાયો હતો. પોલીસે તેના વિગાનના ઓરેલસ્થિત ઘર પર દરોડો પાડ્યો ત્યારે એન્થોનીના ડીએનએ સાથેનું ટુથબ્રશ કબજે કર્યું હતું. તેની સારી આવક હોવાં છતાં, તે ગજા બહારનું જીવન જીવતી હતી અને દેવામાં ડૂબી હતી.
તે એપ્રિલ 2018માં કિર્કહામ પ્રિઝનની ગવર્નર હતી ત્યારે ડ્રગ્સ સંબંધિત ગુનાઓ માટે સજા કરાયેલા સૌન્ડરસન સાથે તેણે ઘણો સમય તેની ઓફિસમાં વીતાવ્યો હતો. સજાના છેલ્લાં દિવસો ગણી રહેલા સૌન્ડરસને ઓક્ટોબર 2018માં ટેમ્પરરી લાયસન્સ પર જેલમુક્તિની અરજી કરી હતી અને ગવર્નર પેગે સત્તા ન હોવાં છતાં, નિયમો બહાર જઈ તે અરજી મંજૂર કરી હતી. કેરી પેગ સામે ખટલો હજી ચાલી રહ્યો છે.