લંડનઃ નેટવર્કના વિશ્વમાં સૌથી મહત્ત્વની કરન્સી છે - વિશ્વાસ. અખબારો માટે આજે પણ આ વાત સાચી છે. ડિજિટલ મીડિયા આગળ વધી રહ્યું છે ત્યારે પણ અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને બ્રાઝિલ સહિતના દેશોમાં મુખ્ય પ્રવાહના મીડિયા એટલે કે અખબારો પર જ વધુ વિશ્વાસ કરાય છે.
ડેટા રિસર્ચ સંસ્થા કેન્ટરના ‘ટ્રસ્ટ ઈન ન્યૂઝ’ વિષયના અભ્યાસમાં ચાર દેશના ૮,૦૦૦ વાચકોએ ભાગ લીધો હતો. આ વૈશ્વિક સર્વેમાં ૫૮ ટકા લોકોએ ફેક ન્યૂઝના પગલે સોશિયલ મીડિયા પરના રાજકીય અને ચૂંટણી સમાચારો પર વધુ વિશ્વાસ કરતા ન હોવાનું કહ્યું હતું. આર્થિક લાભ અને પારસ્પરિક વિશ્વાસ વચ્ચે એક ભેદરેખા ખેંચવા માટે અખબારોના સમાચારોની વિશ્વસનીયતા વધુ મહત્ત્વપૂર્ણ થઈ ગઈ છે.
સમાચારના મુખ્યપ્રવાહ અને પરંપરાગત સ્વરુપોમાં વિશ્વાસની તાકાત નોંધપાત્ર છે. વાસ્તવમાં પ્રિન્ટેડ સમાચાર મેગેઝિન્સ સમાચારના સૌથી વિશ્વસનીય (૭૨ ટકા) સ્રોત છે, જેના પછી ૨૪ કલાક ચાલતા ટીવી ન્યૂઝ, રેડિયો બુલેટિન્સ અને રાષ્ટ્રીય અખબારો આવે છે. આનાથી વિપરીત માત્ર ૩૩ ટકા જ એમ કહે છે કે સોશિયલ મીડિયા વિશ્વાસ કરી શકાય તેવા સમાચાર આપે છે.
બ્રિટનમાં વેબસાઈટ્સ પર આવતી જાહેરાતો પર ધ્યાન આપનારાની સરખામણીએ ૬૫ ટકા વધુ લોકો અખબારોમાં આવતી જાહેરાતો પર વધુ ધ્યાન આપે છે. ૨૯ ટકા લોકોએ ગયા વર્ષે ઓનલાઈન સમાચાર વાંચવા માટે નાણા ખર્ચ્યાનું જણાવ્યું, પરંતુ વિશ્વસનીય ન્યૂઝ પેપર બ્રાન્ડની વાત આવી તો આંકડો વધીને ૪૨ ટકા થયો હતો.


