લંડનઃ ભારતની 3 દિવસની મુલાકાત અંતર્ગત મુંબઇ પહોંચેલા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટે પ્રથમ થોડા કલાકોમાં જ બૅલાર્ડ એસ્ટેટ ખાતે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર સાથે મુલાકાત કરી હતી. તેઓ ખાસ તૈયાર કરવામાં આવેલા ચાના સ્ટોલ પર પણ ગયા હતા, જ્યાં તેમણે પરંપરાગત કુલ્હડ ચાનો સ્વાદ માણ્યો હતો. આ વખતે પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સે મુંબઈની શાળાના બાળકો અને તેંડુલકર સાથે ગલી ક્રિકેટની મજા માણી હતી. મેચ પહેલાં તેંડુલકર પ્રિન્સને ઉત્સાહપૂર્વક માર્ગદર્શન આપતા જોવા મળ્યા હતા, જ્યારે કેટ મિડલટન બાઉન્ડ્રી પરથી હસતા મોઢે આ રમત નિહાળી રહ્યા હતા. બૅલાર્ડ એસ્ટેટ ખાતે તેંડુલકરની સાથે પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટને વારાફરતી બેટિંગ કરીને આ હળવી પળોનો આનંદ માણ્યો હતો.


