પ્રિન્સ એડવર્ડને ડ્યુક ઓફ એડિનબરોનો દરજ્જો, પત્ની સોફિયા ડચેસ ઓફ એડિનબરો

આર્ચી અને લિલિબેટને સત્તાવાર રીતે પ્રિન્સ અને પ્રિન્સેસ તરીકે જાહેર કરાયાં, રાજવી સભ્યોની ગેરહાજરીમાં લિલિબેટના બાપ્તિસ્માનો સંસ્કાર કરાયો

Tuesday 14th March 2023 14:41 EDT
 
 

લંડન

કિંગ ચાર્લ્સ તૃતિયે તેમના સૌથી નાના ભાઇ પ્રિન્સ એડવર્ડને તેમના 59મા જન્મદિવસે ડ્યુક ઓફ એડિનબરોના ખિતાબથી નવાજ્યા છે. અગાઉ આ દરજ્જો તેમના પિતા પ્રિન્સ ફિલિપ પાસે હતો પરંતુ હવે તે તેમની પાસે આજીવન રહેશે અને તેમના નિધન બાદ આ ખિતાબ રાજગાદીને પરત કરાશે. હાલ કાઉન્ટેસ ઓફ વેસેક્સનો દરજ્જો ધરાવતા તેમના પત્ની સોફીને ડચેસ ઓફ એડિનબરોનો દરજ્જો અપાશે. તેમનો પુત્ર જેમ્સ હવે તેમના પિતાનો અર્લ ઓફ વેસેક્સનો દરજ્જો હાંસલ કરશે. તેમની દીકરી લેડી લૂઇસ માઉન્ટબેટન વિન્ડસરને આ બદલાવની કોઇ અસર થશે નહીં. ડ્યુક ઓફ એડિનબરોનું પ્રતિષ્ઠિત ટાઇટલ 1947માં લગ્ન બાદ ક્વીન એલિઝાબેથ દ્વારા તેમના પતિ પ્રિન્સ ફિલિપને અપાયું હતું. પ્રિન્સ એડવર્ડ તેમના પિતાની ઘણી નજીક હતા અને તેમના પાછલા વર્ષોમાં તેમની કામગીરીમાં ઘણી સહાય કરતા હતા.

પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલના સંતાનો આર્ચી અને લિલિબેટને કિંગ ચાર્લ્સ તૃતિય દ્વારા સત્તાવાર રીતે પ્રિન્સ અને પ્રિન્સેસ તરીકે માન્યતા આપી દેવાઇ છે. રોયલ ફેમિલીની વેબસાઇટ પર પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલના સંતાનોના રાજગાદીના વારસોની યાદીમાં દરજ્જા અપડેટ કરાયાં છે જેમાં તેઓ છઠ્ઠા અને સાતમા સ્થાને છે. બકિંગહામ પેલેસની વેબસાઇટ પર ગુરુવાર સવાર સુધી આર્ચી અને લિલિબેટને માસ્ટર એન્ડ મિસ માઉન્ટબેટન-વિન્ડસર તરીકે જોઇ શકાતાં હતાં પરંતુ હવે તેમને પ્રિન્સ આર્ચી ઓફ સસેક્સ અને પ્રિન્સેસ લિલિબેટ ઓફ સસેક્સ તરીકે દર્શાવવામાં આવ્યાં છે.

હાલ કેલિફોર્નિયામાં વસવાટ કરી રહેલા પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલે જણાવ્યું હતું કે, આર્ચી અને લિલિબેટ રાજકુમાર અને રાજકુમારી હોવાનો જન્મસિદ્ધ અધિકાર ધરાવે છે. આ અંગે ગયા વર્ષે જ કિંગ ચાર્લ્સ સાથેની વાતચીતમાં સમાધાન થઇ ગયું હતું.

જોકે ત્યારબાદ બુધવારે પહેલીવાર લિલિબેટ માટે પ્રિન્સેસનું ટાઇટલ ઉપયોગમાં લેવાયું હતું. પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલ દ્વારા પ્રિન્સેસ લિલિબેટના બાપ્તિસ્મા સંસ્કારની જાહેરાત દરમિયાન લિલિબેટને પ્રિન્સેસ તરીકે સંબોધવામાં આવી હતી. જોકે લિલિબેટના બાપ્તિસ્મા સંસ્કારની વિધિ કિંગ ચાર્લ્સ, ક્વીન કોન્સોર્ટ કેમિલા અને અન્ય રાજવી સભ્યોની ગેરહાજરીમાં કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter